દુનિયાભરમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહિષ્કારના આહ્વાન વચ્ચે પણ ઈઝરાયેલે વૈશ્વિક સંરક્ષણ બજારમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. વર્ષ 2025માં ઈઝરાયેલની હથિયાર નિકાસ રેકોર્ડબ્રેક 19.2 અબજ ડોલર (આશરે 1920 કરોડ ડોલર) પર પહોંચી ગઈ છે. ઈઝરાયેલના રક્ષણ મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર, દેશના સંરક્ષણ નિકાસમાં માત્ર એક જ વર્ષમાં 30% નો જંગી ઉછાળો નોંધાયો છે.


સતત પાંચમા વર્ષે રેકોર્ડ વૃદ્ધિ

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના 'આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગ નિયામક' (SIBAT) ના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં ઈઝરાયેલની નિકાસ 14.8 અબજ ડોલર હતી, જે 2025માં વધીને 19.2 અબજ ડોલર થઈ ગઈ છે. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે ઈઝરાયેલે નિકાસમાં નવો આંકડો સર કર્યો છે. વૈશ્વિક હથિયાર બજારમાં ઈઝરાયેલ હજુ પણ 7મો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને તેની હિસ્સેદારી 4.4% થી વધુ વધવાની પૂરેપૂરી સંભાવના છે. આ સફળતા પાછળ ઈઝરાયેલની યુદ્ધમાં પરખાયેલી મિસાઈલ, રોકેટ અને અચૂક એર ડિફેન્સ સિસ્ટમ જવાબદાર છે.

યુદ્ધની વચ્ચે પણ સમયસર ડિલિવરી

ઓક્ટોબર 2023થી ઈઝરાયેલ સતત ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. સામાન્ય રીતે યુદ્ધના સમયે દેશો પોતાની ઘરેલું જરૂરિયાતો પૂરી કરવામાં જ વ્યસ્ત હોય છે, પરંતુ ઈઝરાયેલે પોતાની સેનાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પણ સમયસર હથિયારોની ડિલિવરી આપીને દુનિયાને ચોંકાવી દીધી છે.

રશિયાનું બજાર ધડાકાભેર તૂટ્યું

બીજી તરફ, ક્યારેય હથિયાર બજાર પર રાજ કરનાર રશિયાનો ગ્રાફ ઝડપથી નીચે પડ્યો છે. 'ધ જેમ્સટાઉન ફાઉન્ડેશન'ના રિપોર્ટ અનુસાર, 2021થી 2024 વચ્ચે રશિયાની હથિયાર નિકાસમાં 92% નો મોટો ઘટાડો થયો છે. યુક્રેન યુદ્ધ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને ફંડની અછતને કારણે રશિયા ગ્લોબલ માર્કેટમાંથી ગાયબ થવાને આરે છે, અને તેની ખાલી પડેલી જગ્યા હવે ઈઝરાયેલ ખૂબ જ ઝડપથી ભરી રહ્યું છે.

આ પણ વાંચો:Japan:જાપાનમાં પ્લાસ્ટિક ઉત્પાદનોની ભારે અછત,પેકેજિંગ કલરફૂલમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બન્યા

  • Follow us on: