ઇઝરાયલમાં 19 વર્ષ જૂની બેન્જામિન નેતન્યાહૂ સરકારનું પતન થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ દેશમાં નવી સરકારની રચના માટેનો માર્ગ મોકળો થયો છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ દેશના ભૂતપૂર્વ લશ્કરી વડા ગાદી એઇઝેનકોટને નવી સરકાર બનાવવાનું કામ સોંપશે. નેતન્યાહૂના વિરોધીઓ આ નિર્ણયને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનને પદભ્રષ્ટ કરવા તરફના પ્રથમ અને મહત્વપૂર્ણ પગલા તરીકે જોઈ રહ્યા છે.

નેતન્યાહૂની ખુરશી સંકટમાં

ઇઝરાયલની 120 સભ્યોની સંસદ (નેસેટ)માં સરકાર રચવા માટે 61 બેઠકોની બહુમતી જરૂરી છે. તમામ રાજકીય પક્ષોના વડાઓ સાથે રાષ્ટ્રપતિની એક અઠવાડિયા સુધી ચાલેલી ચર્ચા ગુરુવારે પૂરી થઈ હતી. આ બેઠકો દરમિયાન સંસદના 67 સાંસદોએ એઇઝેનકોટને પોતાનો ટેકો જાહેર કર્યો હતો, જ્યારે નેતન્યાહૂને માત્ર ૪૬ સાંસદોનું જ સમર્થન મળ્યું હતું. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ નેતન્યાહૂના બદલે એઇઝેનકોટને પ્રથમ તક આપવાનો નિર્ણય કર્યો છે.

જોકે, બેઠકોનું ગણિત અત્યંત રસપ્રદ છે. નેતન્યાહૂના જમણેરી અને ધાર્મિક ગઠબંધન પાસે 53 બેઠકો છે. તેમ છતાં, તેમના લાંબા સમયના સાથી પક્ષ 'યુનાઇટેડ તોરાહ યહૂદી પાર્ટી' અતિ-રૂઢિચુસ્ત યહૂદીઓને ફરજિયાત લશ્કરી સેવામાંથી મુક્તિ આપવાના મુદ્દે નારાજ થઈને ટેકો આપવાનું ટાળી રહી છે. બીજી તરફ, એઇઝેનકોટને ટેકો આપતા ચાર યહૂદી પક્ષો પાસે 48 બેઠકો છે.

એઇઝેનકોટને સરકાર બનાવવાનું આમંત્રણ 

એઇઝેનકોટને 67ના આંકડા સુધી પહોંચાડવામાં આરબ-નેતૃત્વવાળા પક્ષોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, જેમના કુલ ૧૯ સાંસદો છે. જેમાં સંયુક્ત સૂચિ (૧૧ બેઠકો) અને યુનાઇટેડ આરબ સૂચિ - રામ (૮ બેઠકો) નો સમાવેશ થાય છે. રામ પાર્ટીના નેતા મન્સૂર અબ્બાસે સરકારમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે સંયુક્ત યાદીએ બહારથી ટેકો આપવાની જાહેરાત કરી છે. જોકે, એઇઝેનકોટે આરબ પક્ષોને સીધા સરકારમાં સામેલ કરવાનો ઇનકાર કર્યો છે.

નેતન્યાહૂએ રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવાની અપીલ કરી 

દરમિયાન, સત્તા ગુમાવવાની ભીતિ વચ્ચે નેતન્યાહૂએ રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવાની અપીલ કરી છે. તેમણે યહૂદી રાષ્ટ્રનું રક્ષણ કરવા માગતા તમામ પક્ષોને એક થવા વિનંતી કરી છે જેથી ઈરાનથી પરમાણુ ખતરાને દૂર રાખી શકાય. ત્રણ વર્ષના યુદ્ધથી પ્રભાવિત ઇઝરાયલમાં ધર્મનિરપેક્ષ, ઉદારવાદી અને અતિ-રૂઢિચુસ્ત યહૂદીઓ વચ્ચે અભૂતપૂર્વ ગઠબંધનની શક્યતા ઊભી થઈ છે, જે દેશના રાજકારણને નવી દિશા આપી શકે છે.

આ પણ વાંચોઃ PM મોદીએ સમગ્ર દેશવાસીઓને પાઠવી દિવાળી પર્વની શુભેચ્છા,કહ્યુ 'પોતાના પરિવારજનોને શુભકામના'