મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે એક નવો અને અત્યંત જોખમી વળાંક લીધો છે. અત્યાર સુધી લેબનોન, ગાઝા અને સીરિયા સુધી સીમિત દેખાતું આ યુદ્ધ હવે ભૌગોલિક સીમાઓ વટાવીને કેસ્પિયન સમુદ્ર સુધી પહોંચી ગયું છે. ઈઝરાયલે પહેલીવાર કેસ્પિયન સમુદ્રમાં ઓપરેશન હાથ ધરીને રશિયા અને ઈરાન વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ શસ્ત્ર સપ્લાય લાઇન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલો માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે એક મોટો વ્યૂહાત્મક સંદેશ છે.
શા માટે કેસ્પિયન સમુદ્ર મહત્વનો છે?
કેસ્પિયન સમુદ્ર વિશ્વનો સૌથી મોટો આંતરિક જળસ્ત્રોત છે અને તે લાંબા સમયથી રશિયા અને ઈરાન માટે એક 'સુરક્ષિત કોરિડોર' તરીકે ઓળખાય છે. આ વિસ્તાર અમેરિકી નૌકાદળની પહોંચથી દૂર હોવાને કારણે, બંને દેશો કોઈપણ આંતરરાષ્ટ્રીય દખલગીરી વિના અહીંથી શસ્ત્રોની હેરાફેરી કરતા હતા. અહેવાલો મુજબ, આ માર્ગ દ્વારા 3 લાખથી વધુ તોપખાનાના શેલ અને લગભગ 10 લાખ રાઉન્ડ દારૂગોળો રશિયા મોકલવામાં આવ્યો હતો. ખાસ કરીને ઈરાનના 'શાહેદ' ડ્રોન, જેનો ઉપયોગ રશિયા યુક્રેન સામે કરી રહ્યું છે, તે આ જ માર્ગે સપ્લાય કરવામાં આવતા હતા.
