કુદરત ઘણીવાર એવા દ્રશ્યો સર્જે છે જે માનવ કલ્પનાની બહાર હોય છે. સામાન્ય રીતે આગ અને પાણી કે બરફ એકબીજાના વિરોધી માનવામાં આવે છે, પરંતુ ઇટાલીના સિસિલી દ્વીપ પર આવેલા માઉન્ટ એટના પર્વત પર કંઈક અલગ જ જોવા મળ્યું. અહીં સક્રિય જ્વાળામુખી ફાટવાને કારણે સફેદ બરફથી ઢંકાયેલી પહાડીઓ પર લાલચોળ લાવાની નદીઓ વહેતી જોવા મળી રહી છે.

નવા વર્ષનો વિસ્ફોટક પ્રારંભ

2025ના અંતથી સક્રિય થયેલો આ જ્વાળામુખી ન્યૂ યર 2026 ના પ્રથમ દિવસે પ્રચંડ વેગ સાથે ફાટ્યો હતો. ઇટાલીની નેશનલ જિયોલોજી સંસ્થા (INGV) એ અગાઉથી ચેતવણી આપી હતી કે પર્વતની તિરાડોમાંથી લાવો બહાર આવી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પર્વતના શિખર પર તાજા બરફની ઉપરથી નારંગી રંગના અંગારાઓ જેવો લાવો નીચે તરફ વહી રહ્યો છે. આ ગરમ લાવા સામે ઠંડો બરફ પણ લાચાર સાબિત થયો અને જોતજોતામાં પીગળવા લાગ્યો.

પ્રવાસીઓ માટે આકર્ષણ સાથે ભયનો માહોલ

માઉન્ટ એટના દુનિયાના સૌથી ખતરનાક જ્વાળામુખીઓમાંનો એક છે, તેમ છતાં આ અદ્ભુત દ્રશ્ય જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આકાશમાં રાખના વાદળો અને જમીન પર વહેતો લાવો એક ભયાનક છતાં રોમાંચક નજારો પેશ કરી રહ્યો હતો. લાવાની ગરમી એટલી પ્રચંડ છે કે તે બરફીલી ચટ્ટાનોને ચીરીને આગળ વધી રહ્યો છે.

રહેણાંક વિસ્તારમાં ન ફેલાતા રાહતની વાત

હાલમાં જ્વાળામુખીમાંથી નીકળતા લાવાનું સ્તર વધ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે તે બહુ મોટા રહેણાંક વિસ્તારમાં ફેલાયો નથી. વિજ્ઞાન અને કુદરતના આ અનોખા સંગમે વિશ્વભરના લોકોમાં કુતૂહલ જગાવ્યું છે કે કેવી રીતે બરફની વચ્ચે ભીષણ આગ અસ્તિત્વ ટકાવી શકે છે.


  • Follow us on: