જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. જાપાનના બોનિન ટાપુઓ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.3 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના તાત્કાલિક અહેવાલ મળ્યા નથી, પરંતુ સતત આવતા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફાળ પડી છે. આ અગાઉ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા વનુઆતુ ટાપુ સમૂહમાં પણ 7.1 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપ પાછળનું વૈજ્ઞાનિક કારણ અને પ્લેટોનું ઘર્ષણ

પૃથ્વીના ભૂગર્ભમાં સાત મુખ્ય ટેક્ટોનિક પ્લેટો આવેલી છે, જે સતત ગતિશીલ રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તે વિસ્તારને 'ફોલ્ટ ઝોન' કહેવામાં આવે છે. વારંવારની અથડામણ અને દબાણ વધવાના કારણે પ્લેટોના ખૂણા વળવા લાગે છે અને આખરે તૂટી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના ઊંડાણમાંથી વિપુલ પ્રમાણમાં ઊર્જા બહાર ફેંકાય છે, જે ભૂકંપ સ્વરૂપે સપાટી પર અનુભવાય છે. સામાન્ય રીતે 4.5 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ મકાનોને નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે 7.0 થી વધુ તીવ્રતાનો ભૂકંપ વિનાશકારી સાબિત થાય છે.

વર્ષ 2026 માં જાપાનમાં નોંધાયેલા મુખ્ય ભૂકંપ

ભૌગોલિક દ્રષ્ટિએ 'રિંગ ઓફ ફાયર' પર સ્થિત હોવાથી જાપાનમાં વાર્ષિક ધોરણે નાના-મોટા આશરે 1,500 જેટલા ભૂકંપ આવે છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનમાં નોંધાયેલા કેટલાક મુખ્ય આંચકાઓ નીચે મુજબ છે:

24 જૂન: ઉત્તરી જાપાનના ઇવાટે કિનારે 7.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.

16 જૂન અને 23 ઓગસ્ટ: ટોક્યો નજીક ઇબારાકી ક્ષેત્રમાં અનુક્રમે 5.5 અને 5.9 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા, જેમાં 38 લોકો ઘાયલ થયા હતા.

28 જુલાઈ: દક્ષિણ જાપાનના કુમામોટોમાં 7.1 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો, જેમાં 38 લોકોના મોત થયા હતા અને સુનામીની ચેતવણી આપવી પડી હતી.

29 સપ્ટેમ્બર અને ઓક્ટોબર: ઇબારાકી, સૈતામા અને હોક્કાઇડો વિસ્તારોમાં 4.9 થી 5.1 ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા.

જાપાનનું વિશિષ્ટ ભૌગોલિક સ્થાન જ ત્યાં વારંવાર આવતા ભૂકંપ અને જ્વાળામુખીની સક્રિયતા માટે સૌથી વધુ જવાબદાર છે.

આ પણ વાંચોઃ Saudi પર હુમલા બાદ એર ઇન્ડિયાની રિયાધ દમ્માની તમામ ફ્લાઇટ 7 નવેમ્બર સુધી રદ્દ