વિશ્વની અગ્રણી ચિપમેકર કંપની Nvidia ના ભૂતપૂર્વ CEO જેન્સેન હુઆંગના કંપનીમાં પુનરાગમન અંગેની અટકળોએ ટેક જગતમાં ભારે વેગ પકડ્યો છે. ગત 12 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપીને 33 વર્ષના લાંબા નેતૃત્વનો અંત લાવનાર હુઆંગ ફરીથી કંપનીની કમાન સંભાળી શકે છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, હુઆંગ પોતે પણ CEO તરીકે પાછા ફરવાની શક્યતાઓ પર નજીકના લોકો સાથે વિચાર-વિમર્શ કરી રહ્યા છે.
હુઆંગને પાછા લાવવા ખુલ્લું સમર્થન
આ મામલે સિલિકોન વેલીમાં મોટા પાયે લોબિંગ શરૂ થઈ ગયું છે.મળતી માહિતી પ્રમાણે તેમને પરત લાવવા માટે ટેક એક્ઝિક્યુટિવ્સની એક ખાસ ટીમ બનાવવામાં આવી રહી છે, જે વ્હાઇટ હાઉસ પાસેથી પણ સમર્થન માંગશે. ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્ક તથા એપિક ગેમ્સના CEO ટિમ સ્વીનીએ પણ Nvidia ના બોર્ડને હુઆંગને પુનઃસ્થાપિત કરવાની અપીલને ખુલ્લું સમર્થન આપ્યું છે.
https://x.com/yunta_tsai/status/2121242163644412202?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121242163644412202%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
એલોન મસ્કે પણ માંગને આપ્યો ટેકો
એલોન મસ્કે આ માંગને ટેકો આપતા જણાવ્યું હતું કે, તેઓ હુઆંગના પરત ફરવા માટેની અરજી પર હસ્તાક્ષર કરવા તૈયાર છે. મસ્કે ઉમેર્યું હતું કે, "હું આ માંગને સમર્થન આપીશ, હુઆંગને પદ પર રાખવા એ એક સન્માનની વાત હશે." બીજી તરફ, ટિમ સ્વીનીએ પણ સોશિયલ મીડિયા પર "જેન્સેનને બચાવો!" લખીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
Nvidia ના 42 હજાર કર્મચારીઓએ પણ આપ્યું સમર્થન
માત્ર બહારના દિગ્ગજો જ નહીં, પરંતુ Nvidia ના આશરે 42,000 કર્મચારીઓમાં પણ હુઆંગની વાપસીની પ્રબળ લાગણી જોવા મળી રહી છે. કંપનીના એક ભૂતપૂર્વ એન્જિનિયર દ્વારા કરાયેલી આંતરિક પોસ્ટ પર 1,600 થી વધુ ટિપ્પણીઓ આવી છે, જેમાં બોર્ડને કર્મચારીઓની ભાવના ધ્યાનમાં લઈ હુઆંગને પાછા લાવવા વિનંતી કરાઈ છે. જોકે, આ દરમિયાન કંપનીનું બોર્ડ આર્મ હોલ્ડિંગ્સના CEO રેને હાસ સહિત અન્ય સંભવિત અનુગામીઓની શોધ પણ કરી રહ્યું છે.
12 નવેમ્બરે હુઆંગે આપ્યુ હતુ રાજીનામુ
અત્રે ઉલ્લેખનીય છે કે, જેન્સેન હુઆંગે 12 નવેમ્બરે અચાનક રાજીનામું આપી દીધું હતું. તેમના અંગત સંબંધો અંગેના અહેવાલો બાદ આ નિર્ણય લેવાયો હતો, જેમાં એક મહિલા સાથેના સંબંધો પર સવાલ ઉઠ્યા હતા, જેના પર ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. જોકે, Nvidia એ આ મામલે તપાસની જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે કંપનીના કોઈ પણ રહસ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. હવે જોવાનું એ રહેશે કે ટેક જગતના દબાણ વચ્ચે હુઆંગની Nvidia માં ઐતિહાસિક વાપસી થાય છે કે કેમ.
આ પણ વાંચોઃ Philippines: મનીલામાં 23મી આસિયાન-ભારત સમિટ, PM મોદી અને ટ્રમ્પ વચ્ચે થઇ શકે છે મુલાકાત