પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી વિવિધ દેશો સાથે સંરક્ષણ સોદાઓ માટે સક્રિય બન્યું છે. ખાસ કરીને ચીનના સહયોગથી વિકસાવેલા JF-17 થન્ડર ફાઇટર જેટને તે અન્ય દેશોને વેચવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાન વાયુસેનાના એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિદ્ધુ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ પ્રધાન સફરી શમસુદ્દીન વચ્ચે થયેલી બેઠક બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.


JF-17 ફાઇટર જેટ વિશે ચર્ચા

અહેવાલો અનુસાર, આ બેઠકમાં JF-17 ફાઇટર જેટ ઉપરાંત કિલર ડ્રોન અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. સૂત્રો જણાવે છે કે ઇન્ડોનેશિયા 40થી વધુ JF-17 ફાઇટર જેટ ખરીદવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. પાકિસ્તાન માટે આ સોદો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તેને આર્થિક રીતે ફાયદો થવાની આશા છે.

ભારતીય સેનાએ તોડી પાડ્યો હોવાનું દાવો

ખાસ નોંધનીય બાબત એ છે કે આ જ JF-17 ફાઇટર જેટ ભારત સાથેના અગાઉના સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતીય સેનાએ તોડી પાડ્યો હોવાનું દાવો કરવામાં આવ્યું હતું. છતાં પણ પાકિસ્તાન હવે તેને એક “સસ્તું અને મલ્ટી-રોલ ફાઇટર જેટ” તરીકે પ્રસ્તુત કરીને વિકાસશીલ દેશોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફાઇટર જેટ આધુનિક બનાવવા માટે અનેક વિકલ્પો

ઇન્ડોનેશિયાની વાયુસેના હાલમાં જૂના વિમાનો પર આધારિત છે. દેશ પોતાનો ફાઇટર જેટ ફલિટ આધુનિક બનાવવા માટે અનેક વિકલ્પો પર કામ કરી રહ્યો છે. 2022માં ઇન્ડોનેશિયાએ ફ્રાન્સ પાસેથી 42 રાફેલ જેટ ખરીદવાનો મોટો સોદો કર્યો હતો. ત્યારબાદ તુર્કી સાથે KAAN ફાઇટર જેટ માટે પણ કરાર થયો. સાથે જ, ઇન્ડોનેશિયા ચીનના J-10 અને અમેરિકાના F-15EX જેટ માટે પણ ચર્ચા કરી રહ્યું છે.

JF-17ને એક વિકલ્પ તરીકે

આ પરિસ્થિતિમાં પાકિસ્તાન JF-17ને એક વિકલ્પ તરીકે રજૂ કરી રહ્યું છે, ખાસ કરીને તેની ઓછી કિંમત અને સરળ જાળવણીને આગળ રાખીને. નિવૃત્ત પાકિસ્તાની એર માર્શલ અસીમ સુલેમાનના જણાવ્યા પ્રમાણે, ઇન્ડોનેશિયા સાથેનો આ સોદો “પાઇપલાઇનમાં” છે અને નજીકના ભવિષ્યમાં આગળ વધી શકે છે.

આ દેશો સાથે પણ સોદા માટે સંપર્ક

ઇન્ડોનેશિયા સિવાય પાકિસ્તાન બાંગ્લાદેશ, લિબિયા અને સુદાન જેવા દેશો સાથે પણ સંરક્ષણ સોદા માટે સંપર્કમાં છે. સાઉદી અરેબિયા સાથે પણ અબજો ડોલરના સંભવિત સોદાની ચર્ચા ચાલી રહી છે, જેમાં લોનના બદલે લશ્કરી સાધનો પૂરાં પાડવાની વાત છે.

આ પણ વાંચો : Iranમાં શું ભયાનક બની રહ્યું છે? 648નાં મોત, 10,000થી વધુ લોકો જેલમાં !


  • Follow us on: