ઈરાનમાં તાજેતરના હુમલા અને આયાતુલ્લા ખામેનેઇના અવસાન બાદ સમગ્ર મુસ્લિમ જગતમાં ભભૂકી ઉઠેલો રોષ હવે પાકિસ્તાનમાં હિંસક વળાંક લઈ રહ્યો છે.  કરાચીમાં શુક્રવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે અરાજકતા ફેલાઈ હતી, જેમાં પ્રદર્શનકારીઓએ યુએસ કોન્સ્યુલેટ (અમેરિકી દૂતાવાસ) ને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં સુરક્ષા દળો અને અમેરિકી સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 10 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.


હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા

મળતી માહિતી પ્રમાણે આ ઘટનાની શરૂઆત કરાચીના વ્યસ્ત ગણાતા એમ.ટી. ખાન રોડ પર થઈ હતી. ઈરાનમાં આયાતુલ્લા ખામેનેઇ અને તેમના પરિવાર પર થયેલા હુમલાના વિરોધમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ભીડ ધીમે ધીમે યુએસ કોન્સ્યુલેટ તરફ આગળ વધી હતી. પ્રદર્શનકારીઓ અમેરિકા અને ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ઈસ્લામિક નેતાઓની સુરક્ષાની માંગ કરી રહ્યા હતા.

પરિસ્થિતિ વણસતા ગોળીબાર કર્યો

પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ સુરક્ષા કોર્ડન તોડીને દૂતાવાસના કમ્પાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પ્રદર્શનકારીઓએ દૂતાવાસની બહાર ઉભેલા વાહનોમાં આગચંપી કરી અને સુરક્ષા દળો પર ભારે પથ્થરમારો શરૂ કર્યો. સ્થાનિક પોલીસ દ્વારા ભીડને વિખેરવા માટે પહેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેંકડો શેલ છોડવામાં આવ્યા હતા, પરંતુ ભીડ કાબૂ બહાર જતાં દૂતાવાસની સુરક્ષામાં તૈનાત અમેરિકી લશ્કરી કર્મચારીઓએ સ્વબચાવમાં સીધો ગોળીબાર કર્યો હતો.

હાલ સમગ્ર કરાચી પોલીસ છાવણીમાં ફેરવાયું

બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગોળીબારમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ઘાયલ થયેલા 30 લોકોમાંથી અનેકની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ સમગ્ર કરાચી શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઈરાન પરના હુમલા બાદ મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરોધી ભાવનાઓ ચરમસીમાએ પહોંચી છે. 

આ પણ વાંચોઃ Iran Israel War :હુમલાને કારણે તેલ અવીવ, દુબઇ, અબુ ધાબી, દોહા, તેહરાન સહિતના એરપોર્ટ બંધ


  • Follow us on: