કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ બુધવારે ન્યૂયોર્કમાં 9/11ના આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ મુલાકાત અમેરિકાની 250મી વર્ષગાંઠના અવસરે થઈ રહી છે.કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા બુધવારે રાષ્ટ્રીય 9/11 સ્મારક પર ગયા હતા અને હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપીને પોતાની ન્યૂયોર્ક યાત્રાની શરૂઆત કરી હતી. કિંગ અને ક્વીન મોટર કાફલા સાથે પહોંચ્યા હતા જ્યાં વિવિધ મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.તેમની સાથે ન્યૂયોર્ક શહેરના પૂર્વ મેયર માઈકલ બ્લૂમબર્ગ પણ હાજર રહ્યા હતા. તેઓએ બે પૂલની આસપાસ બનેલી એક દીવાલ પર હુમલામાં માર્યા ગયેલા લોકોના અંકિત કરેલા નામ પર કિંગ ચાર્લ્સે ફૂલો અર્પણ કર્યા હતા.
9/11 હુમલાના 25 વર્ષ પૂર્ણ
શાહી દંપતીએ ત્યાં હાજર લોકો સાથે હાથ મિલાવ્યા અને વાતચીત કરી હતી, જેમાં 11 સપ્ટેમ્બરના હુમલાના પીડિતોના પરિવારો અને બચાવકર્મીઓ સામેલ હતા. કેટલાક પરિજનોએ પોતાના દિવંગત સભ્યોની તસવીરો પણ બતાવી હતી. આ પ્રસંગે ન્યૂયોર્ક શહેરના મેયર જોહરાન મમદાની, ગવર્નર કેથી હોચુલ, ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ હુમલાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પહેલા આયોજિત કરવામાં આવ્યો હતો.
