ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની ફરી એકવાર પોતાના નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ન્યૂયોર્કની મુલાકાતે છે, જ્યાં મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દરમિયાન મેયર મમદાનીએ કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવશે તેવું જણાવ્યું હતું.


ઐતિહાસિક અન્યાયનો મુદ્દો

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમદાનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો તેમને કિંગ ચાર્લ્સ સાથે અંગત વાતચીત કરવાની તક મળશે, તો તેઓ ભારતનો અમૂલ્ય 'કોહિનૂર' હીરો પરત કરવાની માંગ કરશે. તેમણે ઉમેર્યું કે, "કોહિનૂર માત્ર એક પથ્થર નથી, પરંતુ તે ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા શોષણનું પ્રતીક છે."

કિંગ ચાર્લ્સ ન્યૂયોર્કની મુલાકાતે

કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા બુધવારે રાષ્ટ્રીય 9/11 સ્મારક પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મમદાની પણ ત્યાં હાજર હતા, જોકે તેમણે વાતચીત દરમિયાન કોહિનૂરનો ઉલ્લેખ કર્યો હતો કે નહીં, તેની માહિતી હજુ સામે આવી નથી.હકીકતમાં બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મેયર મમદાનીને પૂછવામાં આવ્યું કે તેઓ કિંગને શું કહેશે, તો તેમણે કોઈ પણ ઔપચારિક વાત કર્યા વગર સીધો જ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે કોહિનૂર માત્ર એક હીરો નથી, પરંતુ તે ભારતના ઈતિહાસ, ગૌરવ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા અન્યાયનું પ્રતીક છે.

કોહિનૂર પર શું બોલ્યા મમદાની?

ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ ન્યૂયોર્કમાં 9/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ દરમિયાન કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાત બાદ કહ્યું કે, જો મને તેમની સાથે અલગથી વાત કરવાની તક મળી હોત, તો હું તેમને કોહિનૂર હીરો પરત કરવા માટે પ્રોત્સાહિત કરત.

શું છે કોહિનૂર હીરાનો ઈતિહાસ?

કોહિનૂર હીરો ભારતની આંધ્રપ્રદેશની કોલ્લુર ખાણમાંથી નીકળ્યો હતો અને તે ઘણા ભારતીય શાસકો, મુઘલો અને શીખો પાસે રહ્યો હતો. પરંતુ વર્ષ 1849માં દ્વિતીય એંગ્લો-શીખ યુદ્ધ બાદ અંગ્રેજોએ તેના પર કબજો કરી લીધો હતો. તે સમયે માત્ર 10 વર્ષના મહારાજા દલીપ સિંહ પાસે એક કરાર પર હસ્તાક્ષર કરાવીને આ હીરાને બ્રિટન લઈ જવામાં આવ્યો હતો. આજે કોહિનૂર હીરો લંડનના ટાવરમાં રાખવામાં આવ્યો છે અને બ્રિટિશ રાજવી તાજનો હિસ્સો છે. ભારત સમયાંતરે તેને પરત લાવવાની માંગ કરતું રહ્યું છે.

મેયર મમદાનીનો ભારત સાથે સંબંધ

ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીનો ભારત સાથે સંબંધ છે. તેમની માતા મીરા નાયરનો જન્મ ભારતમાં થયો છે. એવામાં તેમનું આ નિવેદન માત્ર એક રાજકીય ટિપ્પણી નથી, પરંતુ એક ભાવનાત્મક જોડાણને પણ દર્શાવે છે. તેમના આ નિવેદન બાદ કોહિનૂરને લઈને ફરી એકવાર ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું બ્રિટને પોતાના કબજામાં રાખેલી ઐતિહાસિક વસ્તુઓ તે દેશોને પરત કરી દેવી જોઈએ, જ્યાંથી તે લાવવામાં આવી હતી.

આ પણ વાંચો:Iranના વિદેશ મંત્રી અરાઘચીએ એસ.જયશંકર સાથે ફોન પર કરી વાતચીત, હોર્મુઝ પર થઈ ચર્ચા

  • Follow us on: