જ્યારે પણ સમુદ્રી રહસ્યોની વાત નીકળે ત્યારે બર્મુડા ટ્રાયન્ગલનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે યુરોપ અને આફ્રિકાની વચ્ચે સમુદ્રનો એક એવો સાંકડો માર્ગ છે જે કદમાં દિલ્હી કરતા 20 ગણો નાનો હોવા છતાં અત્યાર સુધીમાં સેંકડો જહાજોને ગળી ગયો છે? આપણે વાત કરી રહ્યા છીએ જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની, જ્યાં તાજેતરમાં થયેલા સંશોધને વિશ્વના પુરાતત્વવિદોને ચોંકાવી દીધા છે.
સંશોધનમાં થયેલા મોટા ખુલાસા
સ્પેનિશ પુરાતત્વવિદો દ્વારા વર્ષ 2020 થી 2023 દરમિયાન હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. CNN ના અહેવાલ મુજબ, માત્ર 29 ચોરસ માઇલના આ નાના વિસ્તારમાં 151 જેટલા પુરાતત્વીય સ્થળો મળી આવ્યા છે, જેમાં 124 જહાજોનો કાટમાળ સામેલ છે. આ સાંકડો માર્ગ બે મોટા જળસમૂહો (એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય સમુદ્ર) ને જોડે છે, જે સદીઓથી નૌકાદળ અને વ્યાપારી જહાજો માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો રહ્યો છે.
5મી સદી બીસીનું જહાજ
સંશોધકોને મળેલા આ કાટમાળમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અહીંથી મળેલું સૌથી જૂનું જહાજ 5મી સદી બીસી એટલે કે આશરે 2500 વર્ષ જૂનું છે. મુખ્ય સંશોધક ફેલિપ સેરેઝો એન્ડ્રીઓના જણાવ્યા અનુસાર, આ પ્રાચીન જહાજ કદાચ કેડિઝ શહેરમાં પ્રખ્યાત એવી 'માછલીની ચટણી' (Fish Sauce) લઈને જઈ રહ્યું હતું. આ શોધ સાબિત કરે છે કે તે સમયમાં પણ ભૂમધ્ય સમુદ્રમાં મોટા પાયે વ્યાપારી પરિવહન થતું હતું.
યુદ્ધોનો સાક્ષી અને આધુનિક અવશેષો
જિબ્રાલ્ટરની ખાડીમાં માત્ર પ્રાચીન જ નહીં, પણ આધુનિક ઇતિહાસના પુરાવા પણ દફન છે. અહીં 19મી સદીના નેપોલિયનિક યુદ્ધો સાથે સંકળાયેલા જહાજો અને બીજા વિશ્વયુદ્ધના સમયના હથિયારો પણ મળી આવ્યા છે. ખાસ કરીને ઇટાલિયન નૌકાદળ દ્વારા બ્રિટિશ સેના પર હુમલો કરવા માટે વપરાતું "માઇલે" (Maiale) અથવા "પિગ" નામનું નાનું સબમરીન જેવું હથિયાર વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચોઃ Nigeria માં ઇસ્લામિક આતંકવાદીઓએ આખા ગામને સળગાવી નાખ્યુ, 11 લોકોના મોત