તાજેતરમાં દેશના આર્થિક વિકાસ દર એટલે કે GDPમાં 7.8%ની શાનદાર વૃદ્ધિ નોંધાઈ છે. આ મોટી સિદ્ધિ માટે દેશવાસીઓને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે નાગરિકોને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવાની અપીલ કરી છે. આ સાથે જ તેમણે દેશવાસીઓને બિનજરૂરી સોનું ન ખરીદવા, વિદેશમાં લગ્ન સમારોહ યોજવાથી બચવા અને વિદેશ પ્રવાસની જગ્યાએ દેશમાં જ પ્રવાસનને પ્રોત્સાહન આપવાની ખાસ અપીલ કરી છે.
સોનાની ખરીદીથી દેશની અર્થવ્યવસ્થા પર કેવી અસર પડે?
વડાપ્રધાને સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાનો સંદેશ ફરી આપ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સામાન્ય નાગરિકો દ્વારા સોનું ખરીદવાથી દેશની સમગ્ર અર્થવ્યવસ્થા પર આટલી મોટી અસર કેવી રીતે થાય છે? ચાલો સમજીએ કે તેની પાછળના મુખ્ય આર્થિક કારણો શું છે.
વિદેશી હૂંડિયામણ અને ડોલરનો ઉપયોગ
ભારતમાં સોનાનો વપરાશ દુનિયામાં સૌથી વધુ માનવામાં આવે છે, પરંતુ દેશમાં સોનાની પોતાની ખાણો ઘણી ઓછી છે. તેનો સીધો અર્થ એ છે કે દેશમાં વેચાતું મોટા ભાગનું સોનું વિદેશથી મગાવવામાં આવે છે. જ્યારે ભારતનો કોઈ વેપારી વિદેશથી સોનું ખરીદે છે, ત્યારે તેની ચુકવણી ભારતીય રૂપિયામાં નહીં પરંતુ અમેરિકન ડોલરમાં કરવી પડે છે. જ્યારે દેશના લોકો રોકાણ અથવા શોખ માટે મોટી માત્રામાં સોનું ખરીદે છે, ત્યારે સરકાર અને બેંકોને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પ્રમાણમાં ડોલર ચૂકવવા પડે છે. તેના કારણે દેશનું વિદેશી હૂંડિયામણ ઝડપથી ઘટે છે, જે કોઈપણ દેશની આર્થિક સ્થિરતા માટે સારું માનવામાં આવતું નથી.
ભારતીય રૂપિયાની કિંમત અને વેપાર ખાધ
કાચા તેલ બાદ સોનું ભારત દ્વારા આયાત કરવામાં આવતી બીજી સૌથી મોટી વસ્તુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ડોલરની માંગ વધે છે અને ભારતીય ચલણ વિદેશમાં જાય છે, ત્યારે તેની સીધી અસર રૂપિયાની કિંમત પર પડે છે. મોટા પ્રમાણમાં સોનું મંગાવવાથી આયાત અને નિકાસ વચ્ચેનું સંતુલન બગડે છે, જેના કારણે દેશની વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધ વધે છે. જ્યારે આ ખાધ વધે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો નબળો પડવા લાગે છે. રૂપિયો નબળો પડવાથી દેશમાં અન્ય આયાતી વસ્તુઓ જેમ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને તેલ પણ મોંઘા થઈ જાય છે, જેના કારણે મોંઘવારી વધે છે.
સોનું ખરીદવું દેશ માટે બિનઉત્પાદક મૂડી
સોનામાં પૈસા લગાવવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ મૂડી એક જગ્યાએ અટકી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સોનાના દાગીના કે સિક્કા ખરીદીને તેને કબાટ અથવા બેંક લોકરમાં રાખી દે છે, ત્યારે એ પૈસા દેશના વિકાસમાં ઉપયોગી બની શકતા નથી. અર્થશાસ્ત્રની ભાષામાં આવી મૂડીને બિનઉત્પાદક મૂડી કહેવામાં આવે છે. જો આ જ પૈસા સોનામાં ન લગાવીને બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા નવા બિઝનેસમાં લગાવવામાં આવે, તો તેનાથી દેશના સ્થાનિક ઉદ્યોગો, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને નવા સ્ટાર્ટઅપ્સને મદદ મળે છે. તેનાથી દેશમાં નવી રોજગારીની તકો ઊભી થાય છે અને અર્થવ્યવસ્થાનું ચક્ર ઝડપથી આગળ વધે છે.
1 વર્ષ સુધી સોનું ન ખરીદવાથી શું અસર થશે?
જો દેશના નાગરિકો માત્ર 1 વર્ષ માટે સોનાની બિનજરૂરી ખરીદી બંધ અથવા ઓછી કરી દે, તો તેના ખૂબ જ ચોંકાવનારા અને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. આર્થિક નિષ્ણાતોના આંકડા અનુસાર, જો ભારતમાં સોનાની આયાતમાં 50%નો ઘટાડો થાય, તો દેશ દર વર્ષે આશરે 30 અબજ ડોલર એટલે કે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે. જો માગમાં 10%નો ઘટાડો આવે તો 5થી 6 અબજ ડોલર, 25%ના ઘટાડા પર આશરે 15 અબજ ડોલર અને 75% સુધીનો ઘટાડો થાય તો દેશ 44 અબજ ડોલર જેવી મોટી રકમ બચાવી શકે છે. આ બચેલા ડોલરનો ઉપયોગ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલો અને રસ્તાઓના નિર્માણમાં થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારો અને નિકાસ કરતા દેશો પર અસર
ભારત સોનાનું એટલું મોટું ખરીદદાર છે કે આપણી માગ ઘટે કે વધે તો દુનિયાના અનેક મોટા દેશોની અર્થવ્યવસ્થા પર તેની અસર પડી શકે છે. ભારત મુખ્યત્વે સ્વિટ્ઝર્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી સોનું આયાત કરે છે. જો ભારતીય બજારમાં સોનાની માંગમાં મોટો ઘટાડો આવે, તો સ્વિટ્ઝર્લેન્ડ અને દુબઈ જેવા મોટા આંતરરાષ્ટ્રીય ગોલ્ડ ટ્રેડિંગ હબ પર સીધી અસર પડશે. આ દેશોની રિફાઈનરી અને ટ્રેડિંગ કંપનીઓનો બિઝનેસ ઘણી હદ સુધી ભારતીય ગ્રાહકો પર આધારિત છે. ભારત દ્વારા ખરીદી ઓછી કરવાથી આ દેશોની નિકાસ પર મોટી અસર પડશે અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પણ નિયંત્રણમાં રહી શકે છે.
આ પણ વાંચો-Sunny Deol Next Film : બંટવારા 1947 બાદ નવી ફિલ્મનું થયું એલાન, 'ઘાતક ઘુસ કે મારેગા...'થી મચશે ધમાલ