ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં અનેક ફેરફાર થઈ રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં શાંતિ લાવવાનો પ્રયાસ નિષ્ફળ થયો, અને નોબેલ શાંતિ પુરસ્કારમાંથી પણ ટ્રમ્પ વંચિત રહ્યા. આ બધા વચ્ચે અત્યારે અમેરિકાના વહીવટીં તંત્ર દ્વારા શટડાઉનની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારી સંગઠનમાંથી કર્મચારીનો છટણીનો દોર શરૂ થયો છે અને ફેડરલ વર્ક ફોર્સ ઘટાડવા વધુ 4000 કર્મચારીઓની છટણી કરાશે તેવા સંકેત વ્હાઇટ હાઉસ ઑફિસ ઑફ મેનેજમેન્ટ ડિરેક્ટર રસેલ વોટ દ્વારા આપવામાં આવ્યા.
વોટના ટ્વીટે જગાવી ચર્ચા
વ્હાઇટ હાઉસ ઑફિસ ઑફ મેનેજમેન્ટ ડિરેક્ટર રસેલ વોટની પોસ્ટ બાદ ચર્ચાનો દોર શરૂ થયો. વોટે શુક્રવારે સવારે X પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી જેમાં "RIFs શરૂ થઈ ગયા છે" જેવા ટૂંકાક્ષરનો ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટે સંકેત આપ્યા કે ચાલુ સરકારી શટડાઉન વચ્ચે ડેમોક્રેટ્સ પર દબાણ લાવવાના પ્રયાસમાં ટ્રમ્પ વહીવટીતંત્રે હજારો ફેડરલ કર્મચારીઓને છટણી કરવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે તેઓ ફેડરલ વર્કફોર્સ ઘટાડવાના તેમના લાંબા સમયથી ચાલતા ધ્યેયને આગળ વધારવા શટડાઉનનો ઉપયોગ કરી શકે છે.
ટ્રમ્પે આપી ચેતવણી
અગાઉ પણ ટ્રમ્પે ડેમોક્રેટ્સને ચેતવણી આપી હતી કે 1 ઓક્ટોબર, 2025 થી શરૂ થયેલ શટડાઉન ચાલુ રહેશે, તો તેઓ કર્મચારીઓની મોટા પાયે છટણી કરી શકે છે. વોટના ટ્વીટ પછી, ટ્રેઝરી અને હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (HHS) જેવા મુખ્ય વિભાગોએ પુષ્ટિ આપી કે તેઓ કર્મચારીઓને નોટિસ જારી કરી રહ્યા છે. કાયદા મુજબ, ફેડરલ સરકારે તેના કામદારોને ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી પડશે કે તે તેમને છૂટા કરી રહી છે.
કર્મચારીઓને છટણી કરવાના નિર્ણયની કરી ટીકા
AFGE ના પ્રમુખ એવરેટ કેલીએ કર્મચારીઓને છટણી કરવાના તંત્રના નિર્ણયની ટીકા કરી. તેમણે કહ્યું કે આ શરમજનક બાબત છે કે ટ્રમ્પના વહીવટીતંત્રે સરકારી શટડાઉનનો ઉપયોગ દેશભરના સમુદાયોને મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડતા હજારો કામદારોને ગેરકાયદેસર રીતે કાઢી મૂકવા માટેના બહાના તરીકે કર્યો છે. નોંધનીય છે કે ટ્રમ્પ તંત્રના છટણી કરવાના નિર્ણય સામે બે મુખ્ય યુનિયનો, અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ અને AFL-CIO એ, શટડાઉન દરમિયાન છટણી કરવાની વોટની જાહેર કરેલી યોજનાઓની કાયદેસરતાને પડકારતો દાવો દાખલ કર્યો હતો.