મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે એક મોટો રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. તેમની આ ચાર દિવસીય અમેરિકા યાત્રાના અંતિમ તબક્કામાં બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઇઝરાયેલ દ્વારા લેબનાન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇઝરાયેલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ મિલિટન્ટ ગ્રુપ વચ્ચે મહિનાઓ સુધી ચાલેલા ભયાનક યુદ્ધ બાદ, સંઘર્ષથી ઘેરાયેલા લેબનાનમાં લાંબા ગાળાની શાંતિ સ્થાપિત કરવાનો છે.
વોશિંગ્ટનની મધ્યસ્થતા
આજકાલ અમેરિકાની મધ્યસ્થતામાં લેબનાન અને ઇઝરાયેલ વચ્ચે સીધી વાતચીત ચાલી રહી છે. લેબનાનને આશા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની આ બેઠક અને અમેરિકી હસ્તક્ષેપના પરિણામે ઇઝરાયેલી સેના દક્ષિણ લેબનાનના એ મોટા વિસ્તારોમાંથી પાછી હટી જશે, જેના પર હાલમાં તેનો કબજો છે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં અગાઉ હિઝબુલ્લાહના આતંકવાદીઓનું પ્રભુત્વ હતું, ત્યાં લેબનાનની રાષ્ટ્રીય સેનાને પૂર્ણ નિયંત્રણ મેળવવામાં મદદ મળશે.
ફ્રેમવર્ક એગ્રીમેન્ટ અને ભૂતકાળનો તણાવ
ઉલ્લેખનીય છે કે, 26 જૂને લેબનાન અને ઇઝરાયેલે એક "ફ્રેમવર્ક એગ્રીમેન્ટ" (રૂપરેખા કરાર) ની જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ ઇઝરાયેલી સેનાને દક્ષિણ લેબનાનમાંથી પાછી ખેંચવાની અને હિઝબુલ્લાહ દ્વારા હથિયારો છોડવાની યોજના બનાવવામાં આવી છે. બંને દેશો વચ્ચે ક્યારેય ઔપચારિક રાજદ્વારી સંબંધો રહ્યા નથી અને ઇઝરાયેલની સ્થાપનાના છેલ્લા 80 વર્ષોથી તેઓ ટેકનિકલ રીતે યુદ્ધની સ્થિતિમાં રહ્યા છે.
સાઉથ લેબનાનમાં 'પાઇલટ ઝોન' બનાવવાનો પ્લાન
અમેરિકાની મધ્યસ્થતામાં રોમ ખાતે યોજાયેલી 2 દિવસીય વાટાઘાટો બાદ ઇઝરાયેલ અને લેબનાને સાઉથ લેબનાનમાં 'પાઇલટ ઝોન' લાગુ કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. આ ઝોનમાંથી ઇઝરાયેલી દળો હટી જશે અને તેની કમાન લેબનાન આર્મીને સોંપવામાં આવશે.અમેરિકી વિદેશ વિભાગે જાહેરાત કરી છે કે પાઇલટ ઝોન હેઠળ આવતા ફ્રૌન, શ્રીફા અને જવતાર અલ-ગર્બીહ નામના ત્રણ ગામોમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પગલું ભવિષ્યમાં બંને દેશો વચ્ચે કાયમી શાંતિ કરાર તરફ આગળ વધવા માટે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Asaramને મળશે જામીન? AIIMSને મેડિકલ કમિટી બનાવવા સુપ્રીમનો આદેશ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય