બ્રિટનની રાજધાની લંડનમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમી લંડનના સાઉથોલ વિસ્તારમાં 26 વર્ષના એક ભારતીય મૂળના યુવકની ચાકુ મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકની ઓળખ ગુરભેજ સિંહ તરીકે થઈ છે. આ લોહિયાળ ઘટના બાદ લંડનની મેટ્રોપોલિટન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યાના શંકાના આધારે સાત લોકોની અટકાયત કરી હતી, જેમાંથી પૂછપરછ બાદ છ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે.


પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે મધ્યરાત્રિએ અંદાજે 12:30 વાગ્યે સાઉથોલ વિસ્તારમાં નોર્થ રોડ અને ડોર્મર્સ વેલ્સ લેન પાસે બની હતી. ગુરભેજ સિંહ એક દુકાનની બહાર ઉભા હતા ત્યારે જ તેમના પર અજાણ્યા શખ્સો દ્વારા ચાકુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળે જ મોત

હુમલાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે ગુરભેજ સિંહનો જીવ બચાવવા માટે ઘટનાસ્થળે જ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું ત્યાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હુમલામાં અન્ય એક 30 વર્ષીય વ્યક્તિ પણ ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેની સ્થિતિમાં સુધારો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

લોકોને ગવાહી આપવા પોલીસની અપીલ

મેટ્રોપોલિટન પોલીસની સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના અધિકારી એલિસન ફોક્સવેલે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે અને ખાતરી આપી છે કે પોલીસ દરેક પાસાઓથી મામલાની બારીકાઈથી તપાસ કરી રહી છે. પોલીસે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈએ આ ઘટના નજરે જોઈ હોય અથવા તો કોઈની પાસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ કે ડેશકેમ રેકોર્ડિંગ હોય, તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

તપાસ અંગે લંડન પોલીસનું નિવેદન

"ધરપકડ કરાયેલા તમામ લોકોની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે છે. પ્રાથમિક તપાસ બાદ 6 લોકોને કોઈ પણ કાનૂની કાર્યવાહી વિના મુક્ત કરાયા છે, જ્યારે એક વ્યક્તિને જામીન પર છોડવામાં આવ્યો છે અને તેની આગળની પૂછપરછ ચાલુ રહેશે."

હત્યાના કારણ અંગે સસ્પેન્સ

હાલમાં તપાસ ટીમ ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ, સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો અને આની પાછળ કોનો હાથ છે. બ્રિટિશ પોલીસ સત્તાવાળાઓ મૃતક ગુરભેજ સિંહના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. જો કે, પોલીસે હજુ સુધી હત્યા પાછળના ચોક્કસ હેતુ કે કારણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. વિદેશમાં ભારતીય યુવકની હત્યાના પગલે ભારતીય સમુદાયમાં ભારે શોક અને ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો:Switzerlandની વસ્તી 1 કરોડથી વધશે નહીં? જનતા કરશે ઐતિહાસિક ફેંસલો, ઇમિગ્રેશન મુદ્દે ભારે વિવાદ

  • Follow us on: