મંગળવારે સાંજે લોસ એન્જલસમાં NBC ન્યૂઝનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટર એક બસ અને SUV વચ્ચે થયેલી ટક્કરના સમાચારનું કવરેજ કરી રહ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ NBC લોસ એન્જલસે તેનું લાઈવ કવરેજ અટકાવી દીધું હતું. હેલિકોપ્ટરમાં પાયલોટ જ્યોર્જ માર્સિનિવ અને ફોટોજર્નાલિસ્ટ એલિઆના મોરેનો સવાર હતા; બંનેના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જમીન પર રહેલા એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ અંગેની વિગતો જાહેર કરવામાં આવી ન હતી.
સ્ટોરેજ સુવિધાના પાર્કિંગ લોટમાં હેલિકોપ્ટર ક્રેશ થયું
મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટર લોસ એન્જલસની સાન ફર્નાન્ડો વેલીના ચેટ્સવર્થ વિસ્તારમાં આવેલી એક સેલ્ફ-સ્ટોરેજ સુવિધા નજીકના પાર્કિંગ લોટમાં ક્રેશ થયું હતું. ત્યારબાદ તેમાં આગ લાગી હતી અને નજીકના વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. NBCના એન્કર કોલીન વિલિયમ્સે લાઈવ પ્રસારણ દરમિયાન જાહેરાત કરી હતી કે સ્ટેશનનું હેલિકોપ્ટર સાંજે લગભગ 7 વાગ્યે ક્રેશ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે ચેનલનો હેલિકોપ્ટરમાં સવાર વ્યક્તિઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
જે અકસ્માતનું કવરેજ થઈ રહ્યું હતું તે બસ દુર્ઘટનામાં બે લોકોના મોત
નોંધનીય છે કે, હેલિકોપ્ટર દુર્ઘટનાના લગભગ બે કલાક પહેલા નોર્ડહોફ સ્ટ્રીટ પર લોસ એન્જલસ મેટ્રો બસ અને એક પેસેન્જર વાહન વચ્ચે ટક્કર થઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તે અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. NBCએ અહેવાલ આપ્યો હતો કે અનેક ન્યૂઝ હેલિકોપ્ટર તે ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા અને આ હેલિકોપ્ટર પણ તેમાં સામેલ હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ કરશે.
લોસ એન્જલસના મેયર કેરેન બાસે આ ઘટનાને શહેર માટે હૃદયદ્રાવક રાત ગણાવી હતી. તેમણે બંને અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે પણ મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન