મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો પડઘો હવે બ્રિટનની રાજધાની લંડનમાં સંભળાઈ રહ્યો છે. સોમવારે મોડી રાત્રે ઉત્તર લંડનમાં એક અત્યંત શંકાસ્પદ અને નફરતભરી ઘટના બની હતી, જેમાં યહૂદી સમુદાયની સેવા કરતી સ્વૈચ્છિક સંસ્થા 'હાટઝોલાહ' (Hatzola) ની ચાર એમ્બ્યુલન્સોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર બ્રિટનમાં સુરક્ષા એજન્સીઓને હચમચાવી દીધી છે.

4 એમ્બ્યુલન્સને લગાવી આગ

સોમવારે રાત્રે આશરે 1.30 વાગ્યે એમ્બ્યુલન્સો સળગતી હોવાની જાણ થતા જ લંડન ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લગભગ દોઢ કલાકની જહેમત બાદ સવારે 3 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ચારેય એમ્બ્યુલન્સો બળીને ખાખ થઈ ગઈ હતી. 'હાટઝોલાહ' એ કોઈ રાજકીય સંસ્થા નથી, પરંતુ તે જાતિ કે ધર્મના ભેદભાવ વિના કટોકટીમાં લોકોના જીવ બચાવવાનું કાર્ય કરે છે. આથી, સેવાના સાધનો પરનો આ હુમલો સીધો માનવતા પરનો હુમલો ગણવામાં આવી રહ્યો છે.

ઈરાન સમર્થિત કાવતરાનો પર્દાફાશ

એમ્બ્યુલન્સ સળગાવવાની આ ઘટનાની વચ્ચે લંડન પોલીસ કમિશનરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે બ્રિટનમાં ઈરાન સમર્થિત એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. આ કાવતરા હેઠળ બ્રિટનમાં રહેતા ઈરાની વિપક્ષી નેતાઓ અને કાર્યકરોની સાથે-સાથે ઇઝરાયેલી અને યહૂદી લક્ષ્યોને નિશાન બનાવવાની યોજના હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ખતરો માત્ર એક વખતનો નથી પરંતુ તે લાંબા ગાળાનો અને સતત રહેનારો ખતરો છે.

https://twitter.com/Keir_Starmer/status/2035984108321386518

ભયના ઓથાર હેઠળ યહૂદી સમુદાય

લંડનમાં મોટી સંખ્યામાં યહૂદી સમુદાય વસે છે. મધ્ય પૂર્વના યુદ્ધ બાદ અહીં વાતાવરણ પહેલેથી જ તંગ હતું, પરંતુ એમ્બ્યુલન્સોને સળગાવવાની આ ઘટનાએ લોકોમાં ડર પેદા કર્યો છે. સ્કોટલેન્ડ યાર્ડ (લંડન પોલીસ) આ ઘટનાને 'એન્ટિ-સેમિટિક' (યહૂદી વિરોધી) નફરતના ગુના તરીકે જોઈ રહી છે અને ગુનેગારોને પકડવા માટે ચારેતરફ તપાસ તેજ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ US: ચલણ પર Trump નો ચહેરો? અમેરિકાની 250મી વર્ષગાંઠ પર સોનાના સિક્કો બહાર પાડવાની તૈયારી!