પેસિફિક મહાસાગરમાં અલ નિનોની સ્થિતિ ઉદભવવાથી ભારતની ચિંતા વધી ગઈ છે. આનાથી સમગ્ર દેશમાં ચોમાસાની ગતિ પર નોંધપાત્ર અસર પડી શકે છે. વધુમાં, એવી આશંકા છે કે ચોમાસાની ઋતુ પૂરી થયા પછી પણ અલ નિનોની અસરો ચાલુ રહી શકે છે. જો કે આ કારણોસર દેશના હજી ઘણા ભાગોમાં ચોમાસુ પહોંચ્યુ નથી. તો બીજી તરફ મહાભૂકંપની આગાહી કરવામાં આવી છે. 


મહાભૂકંપનો ખતરો ! 

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાની ધરતી નીચે એક બહુ મોટો કુદરતી ખતરો આકાર લઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના એક નવા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે અહીં આવેલી બે સૌથી મોટી ફોલ્ટ લાઈનો (જમીનની અંદરની તિરાડો)—‘સેન એન્ડ્રિયાસ’ (San Andreas) અને ‘સેન જેસિન્ટો’ (San Jacinto) પર છેલ્લા ૧૦૦૦ વર્ષનું સૌથી વધુ દબાણ એકઠું થઈ ચૂક્યું છે.

યુનિવર્સિટી ઓફ હવાઈ અને યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના નિષ્ણાતોના મતે, આ દબાણ ગમે ત્યારે એક ભયાનક ભૂકંપનું કારણ બની શકે છે, જેનાથી લોસ એન્જલસ અને રિવરસાઇડ જેવા ગીચ વસ્તીવાળા મહાનગરો સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે.

નવી ટેક્નોલોજીથી ખુલી ધરતીના પેટાળની પોલ

વૈજ્ઞાનિકોએ આ વખતે ભૂકંપ માપવાની જૂની પદ્ધતિઓ બાજુ પર મૂકીને એક આધુનિક 'ફિઝિક્સ-બેઝ્ડ કોમ્પ્યુટર મોડેલ' નો ઉપયોગ કર્યો છે. આ મોડેલે વર્ષ ૧૦૦૦ ઈસવીસનથી લઈને અત્યાર સુધીના એટલે કે છેલ્લા 1000 વર્ષના ડેટાની તપાસ કરી છે.

સંશોધનમાં શું આવ્યું સામે ? 

  • સેન એન્ડ્રિયાસ ફોલ્ટના 'મોજાવે સાઉથ' હિસ્સા પર દબાણ વધીને 2.8 મેગાપાસ્કલ (MPa) થઈ ગયું છે.
  • સેન જેસિન્ટો ફોલ્ટની 'બરનાર્ડિનો બ્રાન્ચ' પર આ દબાણ એનાથી પણ વધુ એટલે કે 3.6 મેગાપાસ્કલ (MPa) નોંધાયું છે.
  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 1000 વર્ષના ઈતિહાસમાં આ વિસ્તારોમાં દબાણનું આ સર્વોચ્ચ સ્તર છે. એનો સીધો અર્થ એ થાય કે ધરતીની અંદરના ખડકો હવે દબાણ સહન કરવાની તેમની છેલ્લી હદ પર આવી ગયા છે.

'કઝોન પાસ' (Cajon Pass): મહા-વિનાશનું કેન્દ્ર બની શકે 

આ રિસર્ચમાં સૌથી ચિંતાજનક બાબત 'કઝોન પાસ' નામના વિસ્તારની સામે આવી છે. આ એક એવું ભૌગોલિક સ્થળ છે જ્યાં આ બંને મોટી ફોલ્ટ લાઈનો (સેન એન્ડ્રિયાસ અને સેન જેસિન્ટો) એકબીજાની ખૂબ નજીક આવી જાય છે.

નિષ્ણાતો તેને એક મોટો ‘જંક્શન પોઈન્ટ’ માની રહ્યા છે. ખતરો એ વાતનો છે કે જો કોઈ એક ફોલ્ટ લાઇન પર ભૂકંપ આવશે, તો તેનો જોરદાર આંચકો બીજી ફોલ્ટ લાઇનને પણ તરત જ સક્રિય (એક્ટિવ) કરી દેશે. જો આ બંને તિરાડો એકસાથે તૂટશે, તો ઇતિહાસનો સૌથી મોટો અને વિનાશક ભૂકંપ આવશે. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 કે તેથી વધુ હોઈ શકે છે, જે આખા દક્ષિણ કેલિફોર્નિયાને ધ્રુજાવી દેશે.

તોફાન પહેલાની શાંતિ !

કેલિફોર્નિયાના ઈતિહાસ પર નજર કરીએ તો સેન એન્ડ્રિયાસના મોજાવે સાઉથ ભાગમાં છેલ્લે વર્ષ 1857માં મોટો ભૂકંપ આવ્યો હતો. સેન જેસિન્ટોના ભાગમાં છેલ્લી હલચલ વર્ષ 1968માં જોવા મળી હતી.

સાયન્સ શું કહે છે?

જ્યારે બે ટેક્ટોનિક પ્લેટો (ધરતીની અંદરની મોટી ચટ્ટાનો) આપસમાં ઘસાય છે પરંતુ તેમની વચ્ચેની ફોલ્ટ લાઇન હલતી નથી, ત્યારે ત્યાં સતત પ્રચંડ ઉર્જા અને દબાણ જમા થતું રહે છે. વિજ્ઞાનની ભાષામાં તેને 'સિસ્મિક ગેપ' (Seismic Gap) કહેવાય છે. છેલ્લા ૧૫૦ કરતાં વધુ વર્ષોથી આ વિસ્તાર શાંત હોવાથી, ત્યાં એટલી મોટી માત્રામાં એનર્જી જમા થઈ ગઈ છે કે જ્યારે પણ આ લોક તૂટશે, ત્યારે અકલ્પનીય તબાહી મચશે.

ડરામણી ભવિષ્યવાણી નહી પણ ચેતવણી 

જો કે આ સંશોધનના મુખ્ય લેખિકા લિલિયન બર્કહાર્ડે સ્પષ્ટ કર્યું છે કે અમારા આ રિસર્ચનો હેતુ કોઈ ચોક્કસ તારીખ કે સમયે ભૂકંપ આવશે તેવી ભવિષ્યવાણી કરવાનો નથી, કારણ કે દુનિયામાં એવી કોઈ ટેક્નોલોજી નથી જે ભૂકંપનો ચોક્કસ સમય જણાવી શકે.. આ સાથે જ તેઓએ સ્પષ્ટતા કરી કે આવી ચેતવણી આપવાનો મુખ્ય હેતુ વહીવટી તંત્રને એલર્ટ કરવાનો છે.  તંત્ર ડેટાનો ઉપયોગ કરીને લોસ એન્જલસ અને સેન બર્નાર્ડિનો જેવા શહેરો પોતાની બિલ્ડિંગોના નિયમો વધુ કડક કરી શકે છે, જેથી ભવિષ્યની ઈમારતો આ આંચકા સહન કરી શકે. આ ઉપરાંત જૂના પુલ, પાણીની પાઈપલાઈનો અને પાવર ગ્રીડ જેવા સરકારી માળખાને મજબૂત કરવાનું કામ પણ વહેલી તકે શરૂ કરી શકાય. 


આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 


  • Follow us on: