વિશ્વના સૌથી કુખ્યાત અને ક્રૂર ડ્રગ ટ્રાફિકર તરીકે ઓળખાતા નેમેસિયો રુબેન ઓસેગ્યુરા સર્વાન્ટેસ, ઉર્ફે 'એલ મેન્ચો', નો મેક્સિકન આર્મી દ્વારા સફાયો કરવામાં આવ્યો છે. 'જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ' ના આ ખૂંખાર નેતાના મૃત્યુ સાથે જ મેક્સિકોમાં એક કાળા અધ્યાયનો અંત આવ્યો છે, પરંતુ તેની પાછળ છોડેલી અબજોની સંપત્તિ અને પરિવારના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

અકલ્પનીય સંપત્તિનું સામ્રાજ્ય

એલ મેન્ચોની સંપત્તિનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે, કારણ કે તેનું આખું સામ્રાજ્ય ડ્રગ અને ગેરકાયદે વેપાર પર ટકેલું હતું. અમેરિકન એજન્સી DEA ના મતે, તેની વ્યક્તિગત સંપત્તિ $500 મિલિયનથી $1 બિલિયન (આશરે ₹8,400 કરોડ) ની વચ્ચે હોઈ શકે છે. જોકે, તેના કાર્ટેલ (CJNG) ની કુલ સંપત્તિ $50 બિલિયન થી વધુ હોવાનું અનુમાન છે, જે રિયલ એસ્ટેટ અને મની લોન્ડરિંગના જટિલ જાળમાં છુપાયેલી છે.

'લા જેફા' અને પરિવારનું રહસ્ય

એલ મેન્ચોની પત્ની રોઝાલિન્ડા ગોન્ઝાલેઝ વેલેન્સિયા, જે 'લા જેફા' (ધ બોસ) તરીકે જાણીતી છે, તે પોતે પણ આ કાળા કારોબારમાં ઊંડે સુધી સંકળાયેલી હતી. તે કાર્ટેલની નાણાકીય પાંખ સંભાળતી હતી. જાન્યુઆરી 2025 માં જેલમાંથી મુક્ત થયા બાદ તે અત્યારે ક્યાં છે તે કોઈ જાણતું નથી. શું તે ફરીથી સત્તા હાથમાં લેશે? તે એક મોટો પ્રશ્ન છે.

વારસદારની શોધ યથાવત

એલ મેન્ચોના ત્રણેય બાળકોની સ્થિતિ અત્યારે દયનીય

એલ મેન્ચિટો (પુત્ર): તે અમેરિકાની જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે, તેથી તે વારસદાર બની શકે તેમ નથી.

જેસિકા જોહાના (પુત્રી): જેલમાંથી છૂટ્યા પછી તે બિઝનેસ સંભાળી રહી છે, પરંતુ તેના પર સતત એજન્સીઓની નજર છે.

લૈશા (પુત્રી): તે હાલમાં અપહરણના કેસમાં વોન્ટેડ છે અને ફરાર છે. આવી સ્થિતિમાં, રોઝાલિન્ડાનો સાવકો પુત્ર જુઆન કાર્લોસ વેલેન્સિયા ('એલ પેલોન') સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જેના માથા પર અમેરિકાએ $5 મિલિયનનું ઇનામ રાખ્યું છે, તે અત્યારે કાર્ટેલના સભ્યોમાં લોકપ્રિય છે.

હવે આગળ શું?

એલ મેન્ચોના મૃત્યુ પછી મેક્સિકોમાં સત્તા માટે આંતરિક ગેંગ વોર ફાટી નીકળી છે. શું મેક્સિકન સરકાર આ અબજોની મિલકત જપ્ત કરી શકશે? કે પછી કોઈ નવો 'ડ્રગ લોર્ડ' આ લોહિયાળ ગાદી પર બેસશે? આ તો સમય જ કહેશે, પણ હાલ પૂરતું તો 'એલ મેન્ચો'ના પતનથી પાકિસ્તાનથી લઈને મેક્સિકો સુધીના ગુનાખોરીના જગતમાં સન્નાટો છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ Pakistan નો દાવો એરસ્ટ્રાઇકમાં 80 આતંકીઓ માર્યા ગયા, અફઘાનિસ્તાનનો પલટવાર ભારે કિંમત ચૂકવવી પડશે!