મ્યાનમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુખદ સમાચાર સામે આવ્યા છે. દેશના પશ્ચિમી રખાઈન રાજ્યમાં સૈન્ય દ્વારા એક બજાર નજીક અત્યંત ઘાતક હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ ભીષણ હુમલામાં ઓછામાં ઓછા 49 નિર્દોષ લોકોના મોત થયા છે જ્યારે 58 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
બજારને નિશાન બનાવવામાં આવ્યું
આ હુમલો સોમવારે દેશના બીજા સૌથી મોટા શહેર મંડલેથી આશરે 340 કિલોમીટર (210 માઈલ) પશ્ચિમમાં આવેલા ક્યાઉક્તાવ ટાઉનશીપમાં થયો હતો. આ વિસ્તાર મ્યાનમારનું એક શક્તિશાળી વંશીય સશસ્ત્ર જૂથ અરાકાન આર્મી દ્વારા નિયંત્રિત છે. મંગળવારે વહેલી સવારે જારી કરાયેલા એક નિવેદનમાં અરાકાન આર્મીએ જણાવ્યું હતું કે સોમવારે બપોરના સુમારે એક ફાઇટર જેટે સ્થાનિક બજાર પાસે અચાનક બે બોમ્બ ફેંક્યા હતા.
https://twitter.com/ThomasVLinge/status/2104492502279459037
ભરચક માર્કેટને બનાવ્યા નિશાન
આ હુમલાની ચપેટમાં સામાન્ય વિક્રેતાઓ, દુકાનદારો અને ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ આવ્યા હતા. બચાવ કામગીરીમાં સામેલ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બજાર આ સમગ્ર વિસ્તારનું મુખ્ય જથ્થાબંધ (હોલસેલ) કેન્દ્ર હતું, જ્યાં રાજ્યભરના વેપારીઓ અને ખરીદદારો ખરીદી માટે આવતા હતા. જેના કારણે આ હુમલામાં જાનહાનિનો આંકડો ખૂબ મોટો છે. આને રખાઈન રાજ્યના ઇતિહાસમાં સૌથી ઘાતક હવાઈ હુમલાઓમાં ગણવામાં આવી રહ્યો છે. ઘાયલ થયેલા 58 લોકોમાંથી ઓછામાં ઓછા 22 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે, જેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
બળવાખોર જૂથની સખત ચેતવણી
આ ક્રૂર હુમલા બાદ સશસ્ત્ર બળવાખોર જૂથ અરાકાન આર્મી દ્વારા તાત્કાલિક બદલો લેવાની ચેતવણી આપવામાં આવી છે. જૂથે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ તે વ્યક્તિઓ અને સંગઠનો સામે અસરકારક અને સખત બદલો લેશે જેઓ આ નિર્દયી હવાઈ હુમલા માટે સીધા જવાબદાર છે.
દેશમાં અશાંતિનો દોર
ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરી, 2021ના રોજ આંગ સાન સુ કીની ચૂંટાયેલી લોકશાહી સરકાર પાસેથી સૈન્યએ સત્તા હસ્તગત કરી લીધી ત્યારથી મ્યાનમારમાં સતત અશાંતિ અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. લશ્કરી શાસન સામે શરૂ થયેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને સુરક્ષા દળોએ હિંસાથી દબાવી દીધા હતા, જેના કારણે દેશના અનેક યુવાનો અને વિરોધીઓએ શસ્ત્રો ઉપાડી લીધા છે અને આજરોજ દેશનો મોટો हिस्सा લોહીથી ખરડાયેલો છે.
આ પણ વાંચોઃ US Tariff: 100% ટેરિફની તૈયારી વચ્ચે ભારતને મોટી રાહત, ગંભીર રોગોની દવાઓ પર ઝીરો ટેરિફની ટ્રમ્પની જાહેરાત