અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ પર તેમને શુભેચ્છાઓ આપી. આ દરમિયાન બંને નેતાઓની વચ્ચે ભારત-અમેરિકાના સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાતચીત થઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની વચ્ચે રાજકીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


વડાપ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

વડાપ્રધાન મોદીએ એક્સ પર રાષ્ટ્રપતિનો આભાર વ્યક્તિ કરતા લખ્યું કે 'તમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છા માટે આભાર મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તમારી જેમ હું પણ ભારત-અમેરિકાના વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે પુરી રીતે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે પણ તમારા પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ.'

વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશમાં જન્મદિવસની કરશે ઉજવણી

તમને જણાવી દઈએ કે આ વર્ષે વડાપ્રધાન મોદી પોતાના 75મા જન્મદિવસની ઉજવણી મધ્યપ્રદેશમાં કરશે. વડાપ્રધાન અહીં ધાર જિલ્લાના ભેંસોલા ગામ જશે અને મહિલાઓ અને પરિવારો માટે સ્વાસ્થ્ય અને પોષણ પર આધારિત અભિયાનની શરૂઆત કરશે. સાથે જ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. તેનો ઉદ્દેશ્ય દેશને ટેક્સટાઈલ હબ બનાવવાનો તથા નિકાસ અને રોજગારીને વધારવાનો છે.  

  • Follow us on: