નાસાના લગભગ 22 વર્ષ જૂના Swift Space Telescopeને બચાવવાની મહત્વાકાંક્ષી યોજના નિષ્ફળ ગઈ છે. Swiftને તેની નીચી ઓર્બિટમાંથી ઊંચી ઓર્બિટમાં લઈ જવા માટે મોકલવામાં આવેલા LINK સ્પેસક્રાફ્ટમાં લોન્ચ બાદ જ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. અંતરિક્ષમાં પહોંચ્યા બાદ LINK ઝડપથી ફરવા લાગ્યું હતું, જેના કારણે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બન્યું હતું.
અનેક અઠવાડિયા સુધી LINKને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો
નાસા અને Catalyst Spaceની ટીમે અનેક અઠવાડિયા સુધી LINKને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. ગયા અઠવાડિયે સ્પેસક્રાફ્ટમાં નવું કંટ્રોલ સોફ્ટવેર પણ મોકલવામાં આવ્યું હતું. તેનાથી LINKના ફરવાની ગતિમાં થોડો ઘટાડો થયો, પરંતુ તેને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લાવવામાં સફળતા મળી નહોતી. અંતે બંને સંસ્થાઓએ Swiftને પકડવાની અને તેની ઓર્બિટ ઊંચી કરવાની યોજના રદ કરી દીધી.
Swift Space Telescopeને વર્ષ 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું
હાલ Swift પૃથ્વીથી લગભગ 347 કિલોમીટર ઉપરની ઓર્બિટમાં છે. યોજના મુજબ LINK તેને પકડીને લગભગ 600 કિલોમીટર ઊંચાઈ સુધી લઈ જવાનું હતું. જો આ મિશન સફળ રહ્યું હોત તો Swift ઘણા વર્ષો સુધી વધુ કાર્યરત રહી શક્યું હોત. Swift Space Telescopeને વર્ષ 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ગેમા-રે બર્સ્ટ એટલે કે અંતરિક્ષમાં થતા અત્યંત શક્તિશાળી વિસ્ફોટોનો અભ્યાસ કરે છે અને વૈજ્ઞાનિકોને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. તેની કિંમત અંદાજે 500 મિલિયન ડોલર હોવાનું જણાવાય છે.
મોટા ભાગના અવશેષો બળી જવાની શક્યતા
હવે રેસ્ક્યૂ મિશન રદ થતાં Swiftની ઓર્બિટ ધીમે ધીમે નીચે આવશે. વર્ષના અંત સુધીમાં તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે છે. વાતાવરણમાં પ્રવેશ દરમિયાન ભારે ગરમીને કારણે તેના મોટા ભાગના અવશેષો બળી જવાની શક્યતા છે. Catalyst Spaceએ જણાવ્યું છે કે આ મિશનમાંથી મળેલા અનુભવનો ઉપયોગ ભવિષ્યના સ્પેસ મિશનમાં કરવામાં આવશે.
આ પણ વાંચો : Bangladesh New President : મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીર બન્યા બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ, 255 સાંસદના મળ્યા મત