નેપાળ હાલમાં ભયાનક પૂર અને કુદરતી હોનારતના ઘામાંથી બહાર આવી રહ્યું છે ત્યાં જ વધુ એક આફતે દેશને હચમચાવી નાખ્યો છે. પૂરના કારણે સર્જાયેલા ભારે વિનાશ અને સેંકડો લોકોના મૃત્યુ વચ્ચે ગુરુવારે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ગુરૂવાર રાત્રે અનુભવાયા આંચકા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે 9.18 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૨ માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું છે. નેપાળ ઉપરાંત પાડોશી વિસ્તાર તિબેટમાં પણ ગુરુવારે રાત્રે 8.15 વાગ્યે 4.9 ની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્ર પણ 10 કિલોમીટર ઊંડાઈએ જ હતું.
પહેલા પૂર અને પછી ભૂકંપ
નેપાળમાં આ કુદરતી આપત્તિઓની શરૂઆત કેવી રીતે થઈ તેની વાત કરીએ તો, તિબેટ અને નેપાળ વચ્ચે આવેલા લેંગટાંગ લિરુંગ પર્વતમાળા પર આશરે ૫,૨૦૦ મીટરની ઊંચાઈએ ગ્લેશિયરનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ હિમનદીનો ભાગ લગભગ 1200 મીટર નીચે ખીણમાં પડવાથી લહેન્ડે નદીનો પ્રવાહ રોકાઈ ગયો અને એક કામચલાઉ કુદરતી બંધ રચાયો. જેમ જેમ આ બંધ પાછળ પાણી એકઠું થતું ગયું તેમ તેમ દબાણ વધતું ગયું અને આખરે આ બંધ તૂટી ગયો.
પૂર બાદ નેપાળમાં તબાહી જ તબાહી
બંધ તૂટવાથી કાદવ, મોટા ખડકો અને કાટમાળનું એક વિશાળ પૂરનું મોજું નીચે તરફ ધસી આવ્યું. આ લહેન્ડે નદી નેપાળ-ચીન સરહદ નજીક રાસુવાગઢી અને તિમુર પાસે ભોટેકોશી નદીમાં મળે છે, જેના કારણે ભોટેકોશી અને ત્યારબાદ ત્રિશુલી નદીમાં પાણીનું સ્તર અતિશય વધી ગયું. માત્ર ૩૦ મિનિટના ટૂંકા ગાળામાં ત્રિશુલી નદીમાં પાણી ૭ થી ૯ મીટર સુધી ઊંચું ચઢી ગયું હતું, જેના કારણે નેપાળના આઠ જેટલા જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ છે.
460થી વધુ લોકોના જીવ ગયા
આ ભયાનક પૂરની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 460 થી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 1500 થી વધુ લોકો હજુ પણ ગુમ થયેલા છે, જેમાં 290 જેટલા ભારતીય નાગરિકો પણ સામેલ છે. પૂરના આ પ્રચંડ વિનાશ વચ્ચે હવે ભૂકંપના આંચકાઓએ સ્થાનિક લોકોમાં વધુ ભય અને ચિંતા ફેલાવી દીધી છે. પ્રશાસન દ્વારા હાલ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Nepal : PM બાલેન શાહની પહેલી વિદેશ યાત્રા ભારતની રહેશે, નાણામંત્રી સ્વર્ણિય વાગલેની જાહેરાત