તાજેતરના સમયમાં સમગ્ર વિશ્વમાં કુદરતી આફતો અને ખાસ કરીને ભૂકંપની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે અને હજારો નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ભયાનક ઘટનાઓને કારણે સામાન્ય લોકોના મનમાં ભૂકંપનો ડર સતત ઘર કરી રહ્યો છે. આવી જ એક ચિંતાજનક ઘટનામાં ગુરુવારે વહેલી સવારે ભારતનો પાડોશી દેશ નેપાળ ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગયો હતો.

સવારે 4.30ના સુમારે આવ્યો જોરદાર ભૂકંપ

સવારે બરાબર 4:30 વાગ્યે નેપાળની ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ ગયો હતો. ગાઢ નિંદ્રામાં સૂતેલા નાગરિકો અચાનક આવેલા આંચકાને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ મામલે સત્તાવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, ગુરુવારે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી અંદાજે 73 કિલોમીટર નીચે જમીનમાં હતું. સદ્નસીબે આ આંચકાને કારણે કોઈ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી, પરંતુ લોકોમાં હજુ પણ ભયનો માહોલ યથાવત છે.

https://x.com/NCS_Earthquake/status/2120656184541958629?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2120656184541958629%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

એક બાદ એક સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા

ઉલ્લેખનીય છે કે નેપાળ ભૌગોલિક દૃષ્ટિએ વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં ગણવામાં આવે છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ ઉત્તરપશ્ચિમ નેપાળમાં સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા 4.5 અને બીજા ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. જેનું મુખ્ય કેન્દ્ર મુગુ જિલ્લાના કલાઈ વિસ્તારની આસપાસ હતું, જેના આંચકા પડોશી જિલ્લાઓ જેમ કે ડોલ્પા અને જુમલા સુધી અનુભવાયા હતા. ઇતિહાસ સાક્ષી છે કે ભૂકંપની આ ભયાનક આપત્તિઓને કારણે ભૂતકાળમાં નેપાળમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મોટા પાયે સંપત્તિનું નુકસાન થયું છે.

નાગરિકોએ હંમેશાં સાવચેત રહેવું અનિવાર્ય

આજે વારંવાર આવતા ભૂકંપ પાછળનું વૈજ્ઞાનિક કારણ પૃથ્વીની રચના સાથે જોડાયેલું છે. વૈજ્ઞાનિકોના મતે, પૃથ્વીના પેટાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટો જ્યારે પરસ્પર અથડાય છે, ઘર્ષણ પામે છે અથવા પોતાની જગ્યાએથી સરકે છે, ત્યારે ધરતી ધ્રૂજવા લાગે છે. ભૂકંપની આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના પેટાળમાં લાંબા સમયથી સંગ્રહિત થયેલી અસીમ ઊર્જા અચાનક અને એકસાથે મુક્ત થાય છે. આ ઊર્જા મોજાંઓ સ્વરૂપે ચારેય દિશામાં પ્રસરે છે, જેના પરિણામે આપણા ગ્રહની સપાટી પર આપણને ધરતીકંપ કે ભૂકંપના આંચકા અનુભવાય છે. નેપાળની આ ભૌગોલિક સ્થિતિ તેને ભૂકંપના જોખમની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ બનાવે છે, તેથી નાગરિકોએ હંમેશાં સાવચેત રહેવું અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Strait of Hormuz: ઓઇલ ટેન્કર પર હુમલો! જહાજમાં સવાર 3 ભારતીય નાવિકો સુરક્ષિત