નેપાળમાં આવેલા વિનાશક પૂરની અસરો સરહદ પાર તિબેટ સુધી પહોંચી છે, પરંતુ આ આપત્તિ વચ્ચે ચીનની માહિતી પ્રણાલી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. નેપાળ અને ચીન વચ્ચેના મુખ્ય સરહદી ક્રોસિંગ ગૈરોંગમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે.
ચીને અનેક વીડિયો હટાવ્યાના દાવા
સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે સ્થાનિક તિબેટીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિનાશના કેટલાક વાસ્તવિક વીડિયો અને તસવીરો થોડા સમય બાદ ડિલીટ અથવા હટાવી દેવામાં આવ્યા હતા. આનાથી વિપરીત, ચીનના સરકારી મીડિયા દ્વારા માત્ર રાહત અને બચાવ કામગીરીના જ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, જેના કારણે માહિતી છુપાવવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ચીન તરફથી જ આવ્યો હતો જોરદાર પ્રવાહ
મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ગૈરોંગમાં પર્વતીય વિસ્તારમાંથી કાદવ, પથ્થરો અને પાણીના જોરદાર પ્રવાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અચાનક ગાયબ થઈ ગયો હતો. ચીની અધિકારીઓએ ગુરુવાર સુધીમાં આ વિસ્તારમાં ૫૫૮ લોકોના ગુમ થવાની અને ત્રણના મોતની પુષ્ટિ કરી હતી. બીજી તરફ, શિન્હુઆ અને પીપલ્સ ડેઇલી જેવા સરકારી માધ્યમોએ સૈન્ય કર્મચારીઓ અને બચાવ કાર્યોને જ વધુ પ્રાધાન્ય આપ્યું છે. ગુપ્તચર નિષ્ણાત આદિલ બ્રાર અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાની સહિતના વિશ્લેષકોએ X પર સવાલો ઉઠાવ્યા છે કે જો જમીન પરના લોકો પાસેથી સાચી માહિતી ન મળે, તો કટોકટીના સમયે વાસ્તવિક સ્થિતિ સમજવી મુશ્કેલ બને છે. જો કે, આ તમામ દાવાઓને આરોપો તરીકે ગણવા જોઈએ અને હજુ સુધી એવો કોઈ નક્કર પુરાવો નથી કે ચીને જાણી જોઈને આપત્તિની સંપૂર્ણ હદ છુપાવી છે.
આપત્તિના કારણે અનેક નિર્દોષોએ ગુમાવ્યા જીવ
આ આપત્તિના કારણે વ્યાપક વિનાશ સર્જાયો છે. નેપાળમાં મૃત્યુઆંક વધીને ૬૭૫ પર પહોંચી ગયો છે અને ૨,૪૦૦થી વધુ લોકો ગુમ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પૂરની ઝપેટમાં ૨૭૫થી વધુ ભારતીયો હજુ પણ લાપતા છે, જ્યારે ૧૦૮ લોકોને સુરક્ષિત બચાવાયા છે. છેલ્લા બે દિવસમાં ૫૯૮ ભારતીયો ચીનથી નેપાળ સુરક્ષિત રીતે પહોંચ્યા છે અને ચીનની બાજુમાં રહેલા આશરે ૯૦૦ ભારતીયો પણ સુરક્ષિત છે. બીજી તરફ, ચીની દૂતાવાસે ડેમ તૂટવાના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે આ આપત્તિ નેપાળ તરફ સર્જાયેલી કુદરતી ઘટનાને કારણે થઈ હતી.
આ પણ વાંચોઃ Nepal Flood: મોત માત્ર 10 મિનિટ દૂર હતુ, ચા પીવાની તલપે બચાવ્યો રાયપુરના 5 યુવકોનો જીવ