નેપાળમાં આવેલા ભયાનક પૂરે ભારે વિનાશ સર્જ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ૧૬૨ લોકોના મોત થયા છે અને ૧૩૩ ભારતીયો સહિત ૭૫૦ થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. આ હોનારતે માત્ર નેપાળ જ નહીં, પરંતુ ભારતની ચિંતામાં પણ મોટો વધારો કર્યો છે. નેપાળે આ આફત માટે સીધી રીતે ચીનને જવાબદાર ઠેરવ્યું છે.

નેપાળમાં વિનાશ પાછળ ચીનનો હાથ?

નેપાળના દાવા મુજબ, બુધવારે તિબેટના કેરુંગ વિસ્તારમાં એક સરોવર અચાનક ફાટ્યું હતું. આના પરિણામે ૨ કરોડ ઘનમીટર પાણીનો ધસમસતો પ્રવાહ નેપાળમાં ધસી આવ્યો. સૌથી મોટી બેદરકારી એ રહી કે ચીને નેપાળને કોઈ જ પૂર્વ ચેતવણી આપી ન હતી. નેપાળ સરકારનું માનવું છે કે જો ચીને સમયસર જાણ કરી હોત, તો સાવચેતી રાખીને ઘણા જીવ બચાવી શકાયા હોત.

ભારત માટે ચિંતા: ચીનનો મેડોગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ

આ ઘટના બાદ ભારતની ચિંતા ચીન દ્વારા અરુણાચલ પ્રદેશની સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર બની રહેલા મેડોગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને લઈને વધી ગઈ છે. આ પ્રોજેક્ટ યાર્લુંગ ત્સાંગપો નદી (જે ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે) પર બની રહ્યો છે. તેની ક્ષમતા ૬૦ ગીગાવોટ હશે, જે ચીનના પ્રખ્યાત થ્રી ગોર્જેસ ડેમ કરતાં પણ લગભગ ત્રણ ગણી છે. મેડોગ વિસ્તાર ટેક્ટોનિક પ્લેટોના ફોલ્ટ ઝોનમાં આવે છે, જે અત્યંત ભૂકંપગ્રસ્ત છે. ભૂકંપની સ્થિતિમાં જો અહીં ડેમને નુકસાન થાય કે પહાડોમાં ભૂસ્ખલન થાય, તો ભારતના નીચલા વિસ્તારોમાં જળપ્રલય આવી શકે છે.'વોટર બોમ્બ'ની ચેતવણી: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ પ્રોજેક્ટને ચીનનો "વોટર બોમ્બ" ગણાવ્યો છે. ચીન કોઈપણ સમયે અચાનક પાણી છોડીને અથવા પ્રવાહ રોકીને ભારતને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

યુપી અને બિહારમાં એલર્ટ

નેપાળના પૂરની અસર ભારતના સરહદી રાજ્યો પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.બિહારના પશ્ચિમ ચંપારણ સહિત છ જિલ્લાઓમાં એલર્ટ જારી કરીને દેખરેખ વધારી દેવામાં આવી છે.ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને કુશીનગરમાં પણ વહીવટીતંત્ર સંપૂર્ણ સાવચેત છે. ગંડક બેરેજમાં નેપાળ તરફથી પાણીની આવક વધતા તમામ 36 દરવાજા ખોલી દેવાયા છે અને NDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે.

ભારત સરકાર પોતાના સ્તરે અરુણાચલમાં 11,000 મેગાવોટના સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ દ્વારા ચીનથી આવતા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા પ્રયાસ કરી રહી છે, પરંતુ સરહદ પાર ચીનની નીતિઓ સતત રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકાર બની રહી છે.

આ પણ વાંચોઃ UP Weather Updates: ઉત્તર પ્રદેશમાં 16 જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી, સીતાપુરમાં શાળાઓ બંધ