નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી તારાજી વચ્ચે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 903 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 4247 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે નુવાકોટ જિલ્લાના ત્રિશુલી ખાતે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પૂરના પાણીમાં ડૂબી ગયેલી કૃષિ વિકાસ બેંકની શાખામાંથી અંદાજે ૫૦ કરોડ નેપાળી રૂપિયાનું સોનું અને 1.5 કરોડ રૂપિયાની રોકડ સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યા છે.

ભોટેકોશીમાં આખીને આખી બેંક તણાઇ ગઇ

ભોટેકોશી નદીના પૂરના પ્રચંડ પ્રવાહમાં બેંકની આ શાખા સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી અને સોનું તથા રોકડ વહી ગયાની આશંકા હતી. પરંતુ, સતત આઠ કલાકની ભારે જહેમત અને સાવચેતીપૂર્વકના પ્રયાસો બાદ બચાવ ટીમે બેંકમાંથી કિંમતી સોનું, ચાંદી અને રોકડ રકમ સુરક્ષિત રીતે શોધી કાઢી હતી, જેને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે.
https://twitter.com/kumarsubodh_/status/2094270966717190153

10,000 લોકોને સુરક્ષિત બચાવાયા

નેપાળ ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA)ના તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2026 સુધીમાં કુલ 903 મૃતદેહો મળી આવ્યા છે. ચિતવાનમાં 272 , નવલપરાસી પૂર્વમાં 207 અને નવલપરાસી પશ્ચિમમાં 151 સહિત વિવિધ જિલ્લાઓમાં મૃતકોના શબ મળ્યા છે. ગુમ થયેલા લોકોમાં 25 પોલીસ કર્મચારીઓ, 45 સૈનિકો અને કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ છે. રાહત અને બચાવ કામગીરી માટે નેપાળ આર્મી અને પોલીસના 20,819 થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 10,451 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જેમાં હેલિકોપ્ટર દ્વારા અનેક વિદેશી અને સ્થાનિક નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

ટનલોમાં જમા કાટમાળમાંથી બચાવ કામગીરી પડકારજનક

હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને સુરંગોમાં ફસાયેલા શ્રમિકોને શોધવા માટે ભારત, ચીન અને કોરિયાના નિષ્ણાતો પણ સેના સાથે મળીને કામ કરી રહ્યા છે. જો કે, ટનલોમાં જમા થયેલા 4 થી 5 ફૂટ ભીના કાટમાળ અને કાદવને કારણે બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની ગઈ છે. 21 હોસ્પિટલોમાં અજાણ્યા મૃતદેહોની ઓળખ અને વ્યવસ્થાપનની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Iran-US Conflict: મોજતબાએ મુસ્લિમ દેશો પાસે માંગ્યું સમર્થન, કહ્યું કે સાચા દુશ્મનને ઓળખો