નેપાળમાં યુવાનોની આગેવાની હેઠળના 'Gen-Z' આંદોલન દરમિયાન થયેલી હિંસા અને મૃત્યુના સંદર્ભમાં ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન રમેશ લેખક વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આંદોલન સાથે સંકળાયેલા યુવાનોએ મંગળવારે કાઠમંડુ જિલ્લા પોલીસ કાર્યાલયમાં એફઆઈઆર નોંધાવી હતી. કાઠમંડુના પોલીસ અધિક્ષક પવન ભટ્ટરાયે આ સમાચારની પુષ્ટિ કરી છે.


આ આંદોલનમાં 76 લોકોના મોત થયા

આ કેસ હવે ન્યાયાધીશ ગૌરી બહાદુર કાર્કીના નેતૃત્વ હેઠળના ન્યાયિક તપાસ પંચને મોકલવામાં આવ્યો છે. એક વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે FIR ઓલી અને લેખકની ગુનાહિત જવાબદારી સ્થાપિત કરશે અને 8-9 સપ્ટેમ્બરના રોજ થયેલા ગુનાઓની તપાસનો માર્ગ મોકળો કરશે. 8 સપ્ટેમ્બરના રોજ 'Gen-Z' આંદોલનના પહેલા દિવસે પોલીસ ગોળીબારમાં 19 વિરોધીઓ માર્યા ગયા હતા. બે દિવસમાં 76 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંદોલન ભ્રષ્ટાચાર સામેના વિરોધ અને સોશિયલ મીડિયા પરના સરકારી પ્રતિબંધો હટાવવાની માગણીઓથી શરૂ થયું હતું. પહેલા દિવસે યુવાનોએ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું, પરંતુ પોલીસે ચેતવણી આપ્યા વિના ગોળીબાર કર્યો. બીજા દિવસે, વિરોધ પ્રદર્શનો વધુ હિંસક બન્યા, જેમાં અનેક સરકારી કચેરીઓને આગ ચાંપી દેવામાં આવી. હિંસા અને યુવાનોના વધતા ગુસ્સાને કારણે ઓલીને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી. હવે, 'Gen-Z' આંદોલનના કાર્યકરો માગ કરી રહ્યા છે કે રાજ્ય પ્રાયોજિત હિંસા માટે જવાબદાર લોકોને સજા કરવામાં આવે અને ન્યાય મળે.

5 માર્ચ, 2026ના રોજ નેપાળની ચૂંટણી

'Gen-Z'ના આંદોલન બાદ કેપી શર્મા ઓલીએ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે 12 સપ્ટેમ્બરના રોજ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા અને 13 સપ્ટેમ્બરના રોજ 275 સભ્યોની સંસદનું વિસર્જન કરીને 5 માર્ચ, 2026ના રોજ ચૂંટણીની તારીખ નક્કી કરી. નેપાળમાં રાજકીય પક્ષોએ 16થી 26 નવેમ્બરની વચ્ચે ચૂંટણી માટે નોંધણી કરાવવી પડશે. ચૂંટણી લડતી કોઈપણ નવી પાર્ટીએ 15 નવેમ્બર સુધીમાં નોંધણી કરાવવી પડશે.


  • Follow us on: