નેપાળ સરકાર અને તેના કેન્દ્રીય બેંક 'નેપાળ રાષ્ટ્ર બેંક' (NRB) એ રૂ. 1 નો નવો સિક્કો બહાર પાડવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ભારત અને નેપાળ વચ્ચેનો જૂનો સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ નવા સિક્કા પર નેપાળનો એ જ વિવાદિત નકશો છાપવામાં આવશે, જેમાં ભારતના ઉત્તરાખંડ રાજ્ય હેઠળ આવતા લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તારોને નેપાળનો હિસ્સો બતાવવામાં આવ્યા છે. ભારત આ ત્રણેય વિસ્તારો પર નેપાળના દાવા સામે અગાઉ પણ સખત વિરોધ નોંધાવી ચૂક્યું છે.
નેપાળ રાષ્ટ્ર બેંકના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં જ રૂ.1 નો નવો સિક્કો જારી કરશે. જોકે, બેંકને હજુ સુધી સિક્કાની સત્તાવાર આખરી ડિઝાઇન મળી નથી, પરંતુ તેમને પૂરો વિશ્વાસ છે કે નવા સિક્કા પર વિવાદિત વિસ્તારો ધરાવતો જ નકશો અંકિત હશે. આ નવો સિક્કો જૂના સિક્કા કરતાં કદમાં નાનો અને વજનમાં હલકો હશે.
2020 માં શરૂ થયો હતો મુખ્ય વિવાદ
આ સરહદી વિવાદ પ્રથમ વાર મે 2020માં દેશવ્યાપી ચર્ચામાં આવ્યો હતો. તે સમયે નેપાળના તત્કાલીન વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીની સરકારે દેશનો નવો સત્તાવાર નકશો જાહેર કર્યો હતો, જેમાં ભારતના ઉત્તરાખંડના કંટ્રોલ હેઠળના લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા. ભારતે તે સમયે પણ આ પગલાને એકતરફી અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
સરકારે વિરોધ બાદ બદલવો પડ્યો નિર્ણય
અહીં નોંધનીય છે કે, 20 જુલાઈના રોજ નેપાળ સરકારે સિક્કા પરથી આ વિવાદિત નકશો હટાવીને તેની જગ્યાએ એક બૌદ્ધ મઠ (Monastery)ની તસવીર મૂકવાનો નિર્ણય લીધો હતો. પરંતુ નેપાળના વિરોધ પક્ષો અને સામાન્ય જનતાએ આ નિર્ણયનો તીવ્ર વિરોધ કર્યો હતો. સરકાર પર વધતા રાજકીય દબાણને કારણે તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો અને આખરે સિક્કા પર નકશો જ રાખવાની ફરજ પડી.
ભારત સરકારે હંમેશાં સ્પષ્ટ કર્યું છે કે લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની એ ઉત્તરાખંડનો અભિન્ન ભાગ છે. આ પ્રકારના અતિ સંવેદનશીલ સરહદી વિવાદોનું નિવારણ એકતરફી દાવાઓથી નહીં, પરંતુ બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો અને કૂટનીતિક સંવાદથી જ શક્ય છે.
આ પણ વાંચો: Strait Of Hormuzની ખાડીમાં ઈરાનની નાકેબંધી હટાવવા અમેરિકા-બ્રિટન રચશે નવું આંતરરાષ્ટ્રીય સૈન્ય ગઠબંધન