આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે ખાનગી ક્ષેત્રમાં રોજગારી પર અસર પડવાના અહેવાલો અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ હવે સરકારી ક્ષેત્રમાં પણ AIની એન્ટ્રી થઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટના એક અહેવાલ અનુસાર, ડચ (નેધરલેન્ડ્સ) સરકારે સરકારી રોજગાર અને કામકાજ અંગે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આગામી સમયમાં AIની મદદથી સરકારી કામો વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવાની યોજના અંતર્ગત અંદાજે 25,000 સરકારી નોકરીઓ તબક્કાવાર રીતે ખતમ કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી ડચ સરકારને વાર્ષિક આશરે ૫ અબજ યુએસ ડોલર એટલે કે અંદાજે 47,595 કરોડ રૂપિયાની બચત થવાની અપેક્ષા છે. સરકારે 26 ઓક્ટોબરે આ અંગેની જાહેરાત કરી હતી.

2027ની શરૂઆતમાં આવશે વિગતવાર આયોજન

રાજ્ય સચિવ એરિક વાન ડેન બર્ગે સ્પષ્ટ કર્યું છે કે સરકાર હવે જૂની પદ્ધતિઓથી કામ ચાલુ રાખશે નહીં. આગામી વર્ષ 2027ની શરૂઆતમાં સરકાર સરકારી કામગીરીમાં AIના ઉપયોગ અંગેનું વિગતવાર માળખું અને આયોજન રજૂ કરશે. તેમણે સ્વીકાર્યું હતું કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આગામી દિવસોમાં કેટલાક મુશ્કેલ નિર્ણયો પણ લેવા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 2025ના અંત સુધીમાં નેધરલેન્ડ્સમાં સરકારી કર્મચારીઓની કુલ સંખ્યા વધીને 1,60,000 સુધી પહોંચી ગઈ હતી, જે ૨૦૧૮ની સરખામણીએ આશરે 41 ટકા વધુ છે. અગાઉના દાવાઓ છતાં સરકારી કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે, જેને નિયંત્રિત કરવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

પોલીસ અને સૈન્ય વિભાગને મુક્તિ

આ પ્રસ્તાવિત છટણી તમામ સરકારી વિભાગોને સમાન રીતે અસર કરશે નહીં. રિપોર્ટ મુજબ, દેશની સુરક્ષા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ વિભાગો જેવા કે પોલીસ અને લશ્કરી (સંરક્ષણ) નોકરીઓને આ કાપમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. AI આધારિત આ તબક્કાવાર છટણીની સૌથી વધુ અસર વિવિધ મંત્રાલયો, દેખરેખ રાખતી એજન્સીઓ અને સરકારી યોજનાઓનું સંચાલન કરતી સંસ્થાઓ પર પડશે. સરકારનો મુખ્ય હેતુ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સરકારી ક્ષેત્રની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે.

આ પણ વાંચોઃ E100 Petrol: હવે વાહનો 100% ઇથેનોલથી ચાલશે, સરકારે મોટર વાહન નિયમોમાં કર્યો સુધારો