ન્યૂયોર્ક શહેરમાં રહેતા લાખો મધ્યમવર્ગીય અને શ્રમિક પરિવારો માટે રાહતના બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂયોર્કના રેન્ટ ગાઇડલાઇન્સ બોર્ડે એક ઐતિહાસિક નિર્ણય લેતા આશરે 10 લાખ રેગ્યુલેટેડ એપાર્ટમેન્ટ્સના ભાડામાં આગામી બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીએ પદ સંભાળ્યાના ગણતરીના મહિનાઓમાં જ પોતાના મુખ્ય ચૂંટણી વચનને પૂરું કરીને ભાડુઆતોને આ મોટી ભેટ આપી છે. મેયરે આ નિર્ણયને શહેરના શ્રમિકોની 'ઐતિહાસિક જીત' ગણાવી છે.


બોર્ડમાં 7-1થી પ્રસ્તાવ પાસ થયો

ગુરુવારે મેનહટનના એક મ્યુઝિયમ ઓડિટોરિયમમાં મળેલી હાઈ-વોલ્ટેજ બેઠકમાં 'રેન્ટ ગાઇડલાઇન્સ બોર્ડ' દ્વારા 7-1ની બહુમતીથી ભાડું ન વધારવાનો (ઝીરો ટકા વધારો) પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય આગામી ઓક્ટોબર મહિનાથી શરૂ થનારી એક વર્ષ અને બે વર્ષની લીઝ માટે લાગુ થશે. આ નિર્ણય જાહેર થતાં જ ત્યાં હાજર સેંકડો ભાડુઆતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને સીટીઓ વગાડીને નિર્ણયને આવકાર્યો હતો. ન્યૂયોર્કની લગભગ એકચોથાઈ વસ્તી આવા 'રેન્ટ-સ્ટેબિલાઇઝ્ડ' એપાર્ટમેન્ટ્સમાં રહે છે. વર્ષ 2025ના એક અભ્યાસ મુજબ, આ રેગ્યુલેટેડ એપાર્ટમેન્ટ્સનું સરેરાશ માસિક ભાડું $1,599 છે, જ્યારે સામાન્ય બજારમાં નવું ભાડું $3,950 જેટલું ઊંચું છે.

મકાનમાલિકોનો વિરોધ અને રાજીનામું

મેયર ઝોહરાન મમદાનીએ જાન્યુઆરીમાં પદ સંભાળ્યા બાદ બોર્ડના 9માંથી 6 સભ્યોની નિમણૂક કરી હતી, જેઓ ભાડુઆતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. આ બાબતથી નારાજ થઈને મકાનમાલિકોનું પ્રતિનિધિત્વ કરનાર બોર્ડ મેમ્બર ક્રિસ્ટીના સ્મિથે વોટિંગના થોડા કલાકો પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે બોર્ડમાં પોતાના માણસો ભરીને આ નિર્ણય પહેલેથી જ નક્કી કરી લેવાયો હતો અને આ પ્રક્રિયા માત્ર એક દેખાવ હતી.

બીજી તરફ, મકાનમાલિકોના સંગઠનોએ દલીલ કરી છે કે ભાડું ન વધવાને કારણે મોંઘવારીના આ સમયમાં પ્રોપર્ટીની જાળવણી કરવી અને હોમ લોનના હપ્તા ભરવા મુશ્કેલ બનશે. જોકે, ભાડુઆતોનું કહેવું છે કે મોંઘવારી સામે તેમની આવક વધી નથી, તેથી આ રાહ ખૂબ જ જરૂરી હતી. મેયર મમદાની માટે આ સપ્તાહ બેવડી ખુશી લાવ્યું છે, કારણ કે યુએસ કોંગ્રેસની ચૂંટણીની રેસમાં પણ તેમની ડેમોક્રેટિક પાર્ટીના ત્રણેય ડાબેરી ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે.

આ પણ વાંચો:Venezuela Earthquake : 235ના મોત, લાપતા બનેલા 39 હજાર લોકો માટે સર્ચ ઓપરેશન, હજારો લોકો મુશ્કેલીમાં



  • Follow us on: