વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા 7.2 અને ત્યારબાદ 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 235 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે 1,500થી વધુ લોકો ઘાયલ થયા છે. 200થી વધુ લોકો હજુ પણ ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે અને હજારો લોકો પોતાના પરિવારજનોનો સંપર્ક ગુમાવી બેઠા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એક જાણકારી મુજબ 39 હજાર લોકો લાપતા છે જેમની શોધખોળ કરાઇ રહી છે.


ઇમારતો, સરકારી કચેરીઓ અને અન્ય માળખાં ધરાશાયી 

સૌથી વધુ નુકસાન લા ગુએરા તટીય વિસ્તારમાં નોંધાયું છે. અહીં અનેક રહેણાંક ઇમારતો, સરકારી કચેરીઓ અને અન્ય માળખાં ધરાશાયી થઈ ગયા છે. દેશનું મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ આ વિસ્તારમાં આવેલું હોવાથી તેને નુકસાન પહોંચતાં હવાઈ સેવા તાત્કાલિક બંધ કરવામાં આવી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય રાહત સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.

બ્રાઝિલના એમેઝોન વિસ્તાર સુધી ભયાનક અસર

ભૂકંપના ઝટકા રાજધાની કરાકાસ સહિત દેશના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. એટલું જ નહીં, તેની અસર બ્રાઝિલના એમેઝોન વિસ્તાર સુધી નોંધાઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ બંને ભૂકંપ માત્ર 39 સેકન્ડના અંતરે આવ્યા હતા, જેને ભૂકંપશાસ્ત્રમાં "ડબલેટ અર્થક્વેક" તરીકે ઓળખવામાં આવે છે.

 અનેક લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી

ગુરુવાર સવારે મોટી સંખ્યામાં લોકો પોતાના ગુમ થયેલા પરિવારજનોની શોધમાં જાતે જ કાટમાળ હટાવતા જોવા મળ્યા હતા. બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે અને અનેક લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. બાળકો, વૃદ્ધો અને પાલતુ પ્રાણીઓ સહિત અનેક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક નાગરિકો જ બચાવ કાર્યમાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

 લા ગુએરા વિસ્તારને આપત્તિગ્રસ્ત જાહેર કરાયો

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે લા ગુએરા વિસ્તારને આપત્તિગ્રસ્ત જાહેર કર્યો છે. તેમણે દેશભરના બચાવ દળોને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવાના આદેશ આપ્યા છે. સાથે જ ખાનગી કંપનીઓને ભારે મશીનરી ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે જેથી કાટમાળ ઝડપથી દૂર કરી શકાય.

વીજ પુરવઠો, મોબાઇલ નેટવર્ક, મેટ્રો સેવા અને ગેસ સપ્લાય બંધ

ભૂકંપ બાદ અનેક શહેરોમાં વીજ પુરવઠો, મોબાઇલ નેટવર્ક, મેટ્રો સેવા અને ગેસ સપ્લાય ખોરવાઈ ગયા છે. શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અનેક શૈક્ષણિક સંસ્થાઓને રાહત શિબિર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. હજારો લોકો ખુલ્લા મેદાનો અને અસ્થાયી કેમ્પોમાં આશરો લેવા મજબૂર બન્યા છે

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મદદનો પ્રવાહ શરૂ

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મદદનો પ્રવાહ શરૂ થયો છે. અમેરિકા સહિત અનેક દેશોએ બચાવ દળો, મેડિકલ ટીમો, દવાઓ, ડ્રોન, સર્ચ ડોગ્સ અને અન્ય રાહત સામગ્રી મોકલવાની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ રાહત કામગીરીમાં સહયોગ આપી રહી છે. મુખ્ય એરપોર્ટ બંધ હોવાના કારણે કેટલીક રાહત ટીમોને પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે

126 વર્ષમાં વેનેઝુએલાને અસર કરનાર સૌથી ગંભીર ભૂકંપીય આપત્તિ

નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના છેલ્લા 126 વર્ષમાં વેનેઝુએલાને અસર કરનાર સૌથી ગંભીર ભૂકંપીય આપત્તિઓમાંની એક બની શકે છે. હજુ પણ આફ્ટરશોક્સ આવવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બચાવ કામગીરી હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક અને નુકસાનના આંકડા વધવાની શક્યતા નકારી શકાય નહીં.


આ પણ વાંચો---    Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video

  • Follow us on: