દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં એક મિનિટના ગાળામાં આવેલા બે પ્રચંડ અને વિનાશક ભૂકંપના ઝાટકાઓએ ભારે તબાહી મચાવી દીધી છે. રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 ની તીવ્રતા ધરાવતા આ ધરતીકંપે આખા દેશને હચમચાવી દીધો છે.
મરણ આંક 10 હજાર વધુ થવાની આશંકા
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે દ્વારા જારી કરાયેલી પ્રાથમિક ચેતવણી અનુસાર, આ ભયાનક આપત્તિમાં મરણ આંક 10 હજાર વધુ થવાની આશંકા સેવાઈ રહી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા 1700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા, જ્યાં પણ સાવચેતીના ભાગરૂપે ઇમારતો ખાલી કરાવવી પડી હતી.
સાંજે પહેલો ભૂકંપ 7.2 ની તીવ્રતાનો આવ્યો
યુએસજીએસના અહેવાલ મુજબ, સ્થાનિક સમય અનુસાર મોડી સાંજે પહેલો ભૂકંપ 7.2 ની તીવ્રતાનો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કેરેબિયન તટ પર આવેલા મોરોન વિસ્તારમાં 22 કિલોમીટરની ઊંડાઈએ હતું.
કારાકાસ સહિતના મોટા શહેરોમાં અફરાતફરી
તેના બરાબર એક મિનિટ બાદ 10 કિલોમીટરની ઊંડાઈએ 7.5 ની તીવ્રતાનો બીજો અને વધુ ઘાતક ઝાટકો લાગ્યો હતો. આ ઉપરાઉપરી આંચકાઓને કારણે રાજધાની કારાકાસ સહિતના મોટા શહેરોમાં અફરાતફરી મચી ગઈ હતી. હજારો લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યોમાં બહુમાળી ઇમારતોની આખી દીવાલો ધસી પડેલી જોઈ શકાય છે.
છેલ્લા 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ
આ આપત્તિને વેનેઝુએલાના ઇતિહાસમાં છેલ્લા 100વર્ષનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. કારાકાસના મુખ્ય વ્યાપારી વિસ્તારો કાટમાળ અને ધૂળની ડમરીઓમાં ફેરવાઈ ગયા છે. આ ભયાનક દુર્ઘટના વચ્ચે દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ દ્વારા ત્રણ કલાક સુધી દેશને સંબોધન ન કરવા બદલ અને નુકસાનીના સત્તાવાર આંકડા જાહેર ન કરવા બદલ જનતા અને વિપક્ષી નેતાઓ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. હાલ સેના અને રાહત બચાવ ટુકડીઓ કાટમાળ હટાવી લોકોને બચાવવાની કામગીરીમાં લાગી ગઈ છે.
આ પણ વાંચો---- Venezuela Earthquake: વેનેઝુએલામાં 7.5 અને 7.1 ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, Video