વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઉર્જા સંકટ અને વધતા સૈન્ય તણાવ વચ્ચે ઈરાને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિશ્વના સૌથી વ્યૂહાત્મક તેલ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી જહાજોની અવરજવર અંગે ઈરાને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના પુરવઠાને લઈને ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
'બિન-દુશ્મન' જહાજો માટે જ રસ્તો ખુલ્લો
ન્યૂયોર્કમાં ઈરાની મિશને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી માત્ર એવા જ જહાજોને પસાર થવા દેવામાં આવશે જે 'બિન-દુશ્મન' શ્રેણીમાં આવે છે. ઈરાનના જણાવ્યા અનુસાર, જે જહાજો ઈરાન વિરુદ્ધ કોઈ આક્રમક પ્રવૃત્તિમાં સામેલ નથી અથવા દુશ્મન દેશોને સમર્થન આપતા નથી, તેઓ જ આ માર્ગનો ઉપયોગ કરી શકશે. જોકે, આ માટે તેમણે ઈરાની સત્તાવાળાઓ પાસેથી અગાઉથી પરવાનગી લેવી પડશે અને સ્થાનિક સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ઈરાન પ્રશાસને ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઈઝરાયલ તેમના પાવર પ્લાન્ટ્સ કે ઉર્જા સુવિધાઓ પર હુમલો કરશે, તો તેનો વળતો જવાબ "નિર્ણાયક અને વિનાશક" હશે.
https://twitter.com/Iran_UN/status/2036545805960503398
હોર્મુઝ સ્ટ્રેટની મહત્તા
ઓમાન અને ઈરાન વચ્ચે આવેલી આ સામુદ્રધુની પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના કુલ તેલ પરિવહનનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. તેની ઊંડાઈ એટલી છે કે વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કરો પણ ત્યાંથી નીકળી શકે છે. ફેબ્રુઆરીથી ચાલી રહેલા સંઘર્ષને કારણે અનેક જહાજો અહીં ફસાયેલા છે, જેને કારણે વિશ્વભરમાં ઉર્જાની કિંમતો વધી છે. જો ઈરાન ખરેખર જહાજોને પસાર થવા દે છે, તો વૈશ્વિક ઉર્જા સંકટમાં મોટી રાહત મળી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો આક્રમક દાવો
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પરિસ્થિતિને અમેરિકાની જીત તરીકે ગણાવી છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકી સૈન્ય કાર્યવાહીથી ઈરાનની નૌકાદળ અને વાયુસેના સંપૂર્ણપણે નાશ પામી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન હવે સમજૂતી કરવા ઈચ્છે છે કારણ કે તેમની પાસે જે કંઈ હતું તે બધું હવે ખતમ થઈ ગયું છે - પછી તે નૌકાદળ હોય, વાયુસેના હોય કે સંચાર વ્યવસ્થા.
આ પણ વાંચોઃ Israel નો માસ્ટરસ્ટ્રોક, કેસ્પિયન સમુદ્રમાં રશિયા-ઈરાનના હથિયાર સપ્લાય લાઇન પર કર્યો એટેક