મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે અત્યંત વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા બંધ જાહેર કરવામાં આવતા વિશ્વભરના ઉર્જા બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઈરાને લેબનોનમાં યુદ્ધવિરામ કરારના કથિત ઉલ્લંઘન અને અમેરિકાની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવીને આ આકરાં પગલાં લીધાં છે. IRGC એ તમામ વ્યાપારી જહાજોને આ જળમાર્ગથી દૂર રહેવા ચેતવણી આપી છે.
60 દિવસ સુધી હોર્મુઝમાં ટેક્સ નહીં લેવામાં આવે
આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી ૬૦ દિવસના યુદ્ધવિરામ ગાળા દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કોઈ ટોલ લેવામાં આવશે નહીં. ટ્રમ્પે 'ટ્રુથસોશિયલ' પર પોસ્ટ કરતા સ્પષ્ટ કર્યું કે, આ 60 દિવસ પછી પણ જ્યાં સુધી અમેરિકા નિર્ણય ન લે ત્યાં સુધી કોઈ ટોલ લાગુ થશે નહીં. જો કે, તેમણે ચેતવણી આપતા ઉમેર્યું હતું કે, જો કોઈ વ્યાપક શાંતિ કરાર ન સધાય, તો મધ્ય પૂર્વીય દેશોને સુરક્ષા પૂરી પાડવાના બદલામાં અમેરિકા ભવિષ્યમાં ટોલ લાદવાનો નિર્ણય કરી શકે છે. તેમણે આ ફીને અમેરિકા દ્વારા મધ્ય પૂર્વમાં કરવામાં આવેલા ભૂતકાળ અને વર્તમાનના ખર્ચની ભરપાઈ તરીકે ગણાવી છે.










