2026નો ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર કાર્લ ડેઇસેરોથ, પીટર હેગેમાન અને જ્યોર્જ નાગેલને આપવામાં આવ્યો છે. નોબેલ કમિટીએ તેમને લાઇટ-ગેટેડ આયન ચેનલ્સ અને ઓપ્ટોજેનેટિક્સ સંબંધિત શોધો બદલ સન્માનિત કર્યા છે. આ સંશોધને જીવંત મગજમાં નર્વ કોષોની કામગીરીને પ્રકાશની મદદથી સમજવા અને નિયંત્રિત કરવાની નવી રીત આપી છે.

3 વૈજ્ઞાનિકોએ શું શોધ્યું?

પીટર હેગેમાન અને જ્યોર્જ નાગેલે એક કોષીય શેવાળમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ ચેનલરોડોપ્સિન નામના પ્રોટીનની શોધમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ત્યારબાદ કાર્લ ડેઇસેરોથે આ પ્રકારના પ્રોટીનનો ઉપયોગ નર્વ કોષોને પ્રકાશ દ્વારા નિયંત્રિત કરવા માટેની પદ્ધતિ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ઓપ્ટોજેનેટિક્સથી મગજને સમજવામાં મદદ

આ ટેક્નિકને ઓપ્ટોજેનેટિક્સ કહેવામાં આવે છે. તેની મદદથી સંશોધકો જીવંત મગજમાં ચોક્કસ નર્વ કોષોને પ્રકાશ દ્વારા સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકે છે. તેના કારણે મગજના કોષો યાદશક્તિ, લાગણીઓ અને વર્તન સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમજવામાં નવી દિશા મળી છે.

https://twitter.com/NobelPrize/status/2107041023977513263   


મેડિકલ રિસર્ચમાં પણ ઉપયોગ

ઓપ્ટોજેનેટિક્સે ન્યુરોસાયન્સમાં સંશોધન માટે નવી શક્યતાઓ ઊભી કરી છે. નર્વસ સિસ્ટમ અને માનસિક વિકૃતિઓ સાથે જોડાયેલી મગજની પ્રક્રિયાઓને સમજવા માટે આ ટેક્નિકનો ઉપયોગ થઈ રહ્યો છે. દૃષ્ટિ ગુમાવનારા લોકોની દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવાના સંશોધનમાં પણ આ પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

મગજના રહસ્યને સમજવામાં મોટું પગલું

મગજ લાગણીઓ, યાદો અને વર્તનને કેવી રીતે નિયંત્રિત કરે છે તે વિજ્ઞાન માટે લાંબા સમયથી મોટો પ્રશ્ન રહ્યો છે. ઓપ્ટોજેનેટિક્સે આ દિશામાં સંશોધકોને નર્વ કોષોની કામગીરીને વધુ ચોકસાઈથી તપાસવાની તક આપી છે. નોબેલ કમિટીના જણાવ્યા મુજબ આ શોધોએ ન્યુરોસાયન્સમાં નવા યુગનો પાયો નાખ્યો છે.  


આ પણ વાંચો     :    Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો