2026ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી બી. કાગન અને જાપાનના કેન્સો સોઆઈને સંયુક્ત રીતે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઑફ સાયન્સિસે સ્ટોકહોમમાં જાહેરાત કરી હતી. બંને વૈજ્ઞાનિકોને ‘અસમમિત કાર્બનિક સંશ્લેષણમાં નોન-લિનિયર અસરો અને ઑટોકૅટાલિસિસની શોધ’ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
કેમ મળ્યો નોબેલ પુરસ્કાર?
કાગન અને સોઆઈનું સંશોધન એક જૂની વૈજ્ઞાનિક ગૂંચ સાથે જોડાયેલું છે. કેટલાક અણુઓ એકબીજાના દર્પણ પ્રતિબિંબ જેવા બે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તેને સરળતાથી સમજવા માટે ડાબા અને જમણા હાથનું ઉદાહરણ લઈ શકાય. બંને હાથ દેખાવમાં એકસરખા લાગે છે, પરંતુ એકને બીજા પર સંપૂર્ણ રીતે મૂકીને સરખા કરી શકાતા નથી. રસાયણશાસ્ત્રમાં અણુઓના આવા બે સ્વરૂપોને ચિરલ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે.
કુદરતમાં એક જ સ્વરૂપ કેમ જોવા મળે છે?
વૈજ્ઞાનિકો માટે લાંબા સમયથી સવાલ હતો કે જો આવા અણુઓ બે દર્પણ-પ્રતિબિંબ સ્વરૂપમાં બની શકે છે, તો જીવંત સૃષ્ટિમાં ઘણી વખત માત્ર એક જ સ્વરૂપ શા માટે મુખ્ય હોય છે. ઉદાહરણ તરીકે, એમિનો એસિડ જેવા જીવન માટે મહત્વપૂર્ણ અણુઓના બે મિરર-ઇમેજ સ્વરૂપ શક્ય છે. પરંતુ જીવંત પ્રણાલીઓમાં સામાન્ય રીતે એક જ સ્વરૂપનું પ્રભુત્વ જોવા મળે છે. કાગન અને સોઆઈના સંશોધને આ ‘હોમોચિરાલિટી’ કેવી રીતે સ્વયંભૂ ઊભી થઈ શકે તે સમજવામાં મહત્વપૂર્ણ જવાબ આપ્યો.
https://x.com/NobelPrize/status/2107769910742987075/photo/1
1986માં કાગને રાખ્યો મહત્વનો પાયો
હેનરી બી. કાગને 1986માં રાસાયણિક પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરવાની એવી પદ્ધતિ વિકસાવી હતી, જેના કારણે બે મિરર-ઇમેજ સ્વરૂપોમાંથી એકનું પ્રમાણ બીજા કરતાં વધારે મેળવી શકાયું. આ શોધથી રસાયણશાસ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ મોલેક્યુલર સ્વરૂપને પ્રાધાન્ય આપતી પ્રતિક્રિયાઓ વિકસાવવાનો નવો માર્ગ ખુલ્યો. તેમની કામગીરી દવાઓ, સુગંધ અને અન્ય રાસાયણિક સામગ્રીના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બની.
સોઆઇની પ્રતિક્રિયાએ બદલી આખી સમજ
કેનસો સોઆઈએ કાગનના કામને આગળ વધાર્યું. 1995માં તેમણે એવી રાસાયણિક પ્રતિક્રિયા દર્શાવી જેમાં એક મિરર-ઇમેજ સ્વરૂપ પોતાની જ રચનાને પ્રોત્સાહન આપી શકે તેવી ઑટોકૅટાલિટિક પ્રક્રિયા જોવા મળી. ત્યારબાદ 2003માં સોઆઈએ એવી પ્રતિક્રિયા દર્શાવી જેમાં બે સંભવિત મિરર-ઇમેજ સ્વરૂપોમાંથી માત્ર એક જ સ્વરૂપ બન્યું. આ પ્રયોગને રસાયણશાસ્ત્રમાં અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
દવાઓ બનાવવા માટે કેમ મહત્વપૂર્ણ?
આ સંશોધન માત્ર વૈજ્ઞાનિક ગૂંચ ઉકેલવા પૂરતું નથી. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પણ તેનું મહત્વ છે. એક જ દવાના મોલેક્યુલના બે મિરર-ઇમેજ સ્વરૂપો શરીરમાં અલગ રીતે વર્તી શકે છે. એટલે દવા બનાવતી વખતે ઇચ્છિત મોલેક્યુલર સ્વરૂપ ચોક્કસ રીતે તૈયાર કરવું મહત્વપૂર્ણ બને છે. કાગન અને સોઆઈની શોધોએ આ પ્રકારની ચોક્કસ કાર્બનિક સંશ્લેષણ પદ્ધતિઓ માટે મહત્વનો આધાર પૂરો પાડ્યો છે.
હેનરી અને સોઆઇ કોણ છે?
હેનરી બી. કાગન ફ્રાન્સના જાણીતા રસાયણશાસ્ત્રી છે અને પેરિસ-સુદ યુનિવર્સિટી સાથે જોડાયેલા રહ્યા છે. કેન્સો સોઆઈ જાપાનના ટોક્યો યુનિવર્સિટી ઑફ સાયન્સ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક છે.
કેટલી મળશે નોબેલ પુરસ્કારની રકમ?
2026ના નોબેલ પુરસ્કારની રકમ 12 મિલિયન સ્વીડિશ ક્રોના છે. હેનરી બી. કાગન અને કેન્સો સોઆઈ આ રકમ સંયુક્ત રીતે મેળવશે. બંનેને નોબેલ મેડલ અને ડિપ્લોમા પણ આપવામાં આવશે.
10 ડિસેમ્બરે થશે નોબેલ સમારોહ
નોબેલ પુરસ્કારનો સત્તાવાર સમારોહ દર વર્ષે 10 ડિસેમ્બરે યોજાય છે. આ તારીખ અલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે. રસાયણશાસ્ત્રના આ વર્ષના વિજેતાઓને પણ આ જ દિવસે સત્તાવાર રીતે સન્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો