અમેરિકામાં New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લએ સંદેશ ન્યૂઝ ડીજીટલને આ ખાસ અહેવાલ આપ્યો છે. તે મજૂબ સમગ્ર દુનિયામાં ટેરીફ વોર શરૂ કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે નવા ટેરીફથી અમેરિકાને આશરે રુપિયા 50 લાખ કરોડથી વધુની આવક થઈ છે. આ એક ખૂબ જ મોટી રકમ છે, કારણ કે ઐતિહાસિક રીતે અમેરિકાની કુલ ટેક્સ આવકમાં ટેરિફનો હિસ્સો ઘણો ઓછો રહ્યો છે. ટ્રમ્પે 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ વિદેશી માલ પર ટેરિફમાં મોટો વધારો કર્યો .
2024ના અંતમાં અમેરિકાનો સરેરાશ ટેરિફ
2024ના અંતમાં અમેરિકાનો સરેરાશ ટેરિફ રેટ લગભગ 2.3% હતો, જે 2025-26 માં વધીને 15% થી 18% સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પે "ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ" (IEEPA) નો ઉપયોગ કરીને ઘણા દેશો પર સીધો ટેરિફ લગાવ્યો છે, ખાસ કરીને સ્ટીલ, એલ્યુમિનિયમ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ પર 25% થી 50% સુધીની જકાત વસૂલવામાં આવી રહી છે. આ આવક કેવી રીતે થઈ ? અને કયા દેશ પાસેથી કેટલી આવક થઈ તેની વિગતવાર વાત કરીએ તો,
ટ્રમ્પના દાવા મુજબ, આ $600 બિલિયનની આવકમાં મુખ્ય હિસ્સો નીચેના દેશોનો છે.
ચીન
30% - 50%
ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ પર ભારે ટેક્સ. સૌથી વધુ આવક ચીન પાસેથી મળે છે.
ભારત
25% - 50%
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ 25% વધારાનો ટેક્સ ( પેનલ્ટી) લાદવામાં આવ્યો છે.
યુરોપિયન યુનિયન
15% - 20%
ઓટોમોબાઈલ અને લક્ઝરી વસ્તુઓ પર ટેરિફ.
મેક્સિકો અને કેનેડા
25% - 35%
સરહદ સુરક્ષા અને વેપાર ખાધ ઘટાડવાના બહાને ટેરિફ વધારો.
વિયેતનામ અને મલેશિયા
24% - 32%
ચીન દ્વારા આ દેશોના માર્ગે મોકલવામાં આવતા માલને રોકવા માટે.
“રિબેટ ચેક”
ડોનાલ્ડ ટ્રમ્પના દાવા મુજબ અમેરિકા ટેરિફથી જંગી આવક મેળવી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે, આ વધારાની આવકનો ઉપયોગ મુખ્યત્વે બે મહત્વના હેતુઓ માટે કરવામાં આવશે. પ્રથમ, Tax Cuts. ટ્રમ્પનું કહેવું છે કે આ નાણાંનો ઉપયોગ અમેરિકન મધ્યમ વર્ગ અને કંપનીઓ માટે ઇનકમ ટેક્સ ઘટાડવા માટે કરવામાં આવશે, જેથી લોકો પાસે વધુ ખર્ચયોગ્ય આવક રહે અને અર્થવ્યવસ્થાને ગતિ મળે. બીજું, ટેરિફ રિબેટ (Rebate Checks). ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ દરેક અમેરિકન નાગરિકને $2,000ના “રિબેટ ચેક” આપશે, જેથી વધતી જતી મોંઘવારી સામે લોકોને થોડી રાહત મળી શકે.
ટ્રમ્પ આને મોટી સફળતા તરીકે રજૂ
જોકે ટ્રમ્પ આને મોટી સફળતા તરીકે રજૂ કરે છે, પરંતુ અનેક અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે ટેરિફનો વાસ્તવિક ભાર અંતે અમેરિકાની કંપનીઓ અને ગ્રાહકો પર જ પડે છે. કારણ કે વિદેશી કંપનીઓ ટેરિફ લાગતાં પોતાના માલના ભાવ વધારી દે છે, જે સીધો અસર અમેરિકન બજારમાં દેખાય છે. અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ, ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકામાં મોંઘવારીના દરમાં લગભગ 0.7% થી 1%નો વધારો થયો છે. જોકે ટ્રમ્પ દાવો કરે છે કે મોંઘવારીમાં વધારો થયો નથી, પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ ચિત્ર બતાવે છે.
ટેરિફની સૌથી વધુ અસર
ટેરિફની સૌથી વધુ અસર કેટલાક ખાસ ક્ષેત્રોમાં જોવા મળી છે. ખાદ્ય સામગ્રીમાં, કોફી, બીફ, કેળા, નારંગીનો રસ અને ટામેટાં જેવી આયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા. નાગરિકોના ભારે વિરોધ બાદ ટ્રમ્પને 200થી વધુ ખાદ્ય વસ્તુઓ પરથી ટેરિફ હટાવવાની ફરજ પડી છે. તે ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો ઉદ્યોગ પર પણ ભારે અસર પડી છે. ચીનથી આવતા પાર્ટ્સ પર ટેરિફ લાગતા લેપટોપ, સ્માર્ટફોન અને કારના ભાવમાં અંદાજે 5% થી 11%નો વધારો નોંધાયો છે.
સીધો ફટકો ઘર ખરીદવા ઈચ્છતા મધ્યમ વર્ગને
બાંધકામ સામગ્રીમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ મોંઘા થવાથી નવા ઘરોનું બાંધકામ ખર્ચાળ બન્યું છે, જેનો સીધો ફટકો ઘર ખરીદવા ઈચ્છતા મધ્યમ વર્ગને પડી રહ્યો છે. 2026ની શરૂઆતમાં અમેરિકાની હાઉસિંગ સ્થિતિ મિશ્ર જોવા મળે છે. સરેરાશ 30 વર્ષનો ફિક્સ્ડ મોરગેજ રેટ લગભગ 6.3% આસપાસ છે, જે 2025ની સરખામણીમાં થોડો ઓછો છે અને ખરીદદારો માટે થોડી રાહત આપે છે. તેમ છતાં, ઘરના ભાવોમાં સરેરાશ 2.2%નો વધારો નોંધાયો છે. ખાસ કરીને ફ્લોરિડા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં વધતી વસ્તી અને માંગને કારણે ઘરના ભાવ હજુ પણ મધ્યમ વર્ગ માટે મોટો પડકાર બની રહ્યા છે.
આ પણ વાંચો : Operation Sindoor બાદ પાકિસ્તાનની બેહાલ સ્થિતિ, યુદ્ધ રોકવા ટ્રમ્પના ભૂતપૂર્વ બોડીગાર્ડ સુધી પહોંચ્યું