અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમણે સમજૂતી માટે તેહરાન (ઈરાન)ને એક પાનાથી વધુનો પ્રસ્તાવ આપ્યો છે. આમાં પરમાણુ હથિયારો, હોર્મુઝ અને આર્થિક પ્રતિબંધો વિશે જણાવવામાં આવ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનનું શાસન આ સમજૂતીને લઈને મૂંઝવણમાં છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ સમજૂતી છેલ્લા તબક્કામાં છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ઈરાન આ પ્રસ્તાવ પર સંમતિ આપે છે, તો યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

અગાઉ અમેરિકી મીડિયા એક્સિયોસે અહેવાલ આપ્યો હતો કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે એક પાનાના પ્રસ્તાવ પર સહમતિ બની ગઈ છે. બંને દેશો 3 મુદ્દાઓને લઈને સમજૂતી કરશે. સીએનએન (CNN) એ સૂત્રોના હવાલેથી આ વિગતવાર પ્રસ્તાવ અંગે રિપોર્ટ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને પરમાણુ હથિયાર, આર્થિક નાકાબંધી અને હોર્મુઝ નાકાબંધીને લઈને ઈસ્લામાબાદના માધ્યમથી પ્રસ્તાવ મોકલ્યો છે.

વિગતવાર પ્રસ્તાવમાં શું-શું છે?

યુરેનિયમ સંવર્ધન:

ઈરાન આગામી 10 વર્ષ સુધી યુરેનિયમ સંવર્ધનને 3.67 ટકાથી વધુ નહીં વધારે. ઓબામા શાસન દરમિયાન થયેલી સમજૂતીમાં આ સમયગાળો 15 વર્ષ માટે હતો. ટ્રમ્પ પહેલા આને 20 વર્ષ માટે કરવા માંગતા હતા. ઉર્જાની જરૂરિયાતો માટે 3.67 ટકા સંવર્ધન કરવામાં આવે છે, જ્યારે હથિયાર બનાવવા માટે યુરેનિયમને 90 ટકા સુધી સંવર્ધિત કરવું પડે છે.

ન્યુક્લિયર ડસ્ટ:

ઈરાને પોતાનો ન્યુક્લિયર ડસ્ટ અમેરિકાને સોંપવો પડશે. આ પ્રક્રિયા ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી (IAEA) ની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. ઈરાન અત્યાર સુધી આ માટે તૈયાર નથી, તેનું કહેવું છે કે તે કોઈ ત્રીજા દેશને ન્યુક્લિયર ડસ્ટ સોંપી શકે છે. ઈરાન પાસે હાલ 440 કિલો સંવર્ધિત યુરેનિયમ છે.

હોર્મુઝની સામુદ્રધુની:

હોર્મુઝનો માર્ગ સંપૂર્ણપણે ખોલવો પડશે અને ત્યાં કોઈ ટોલ વસૂલાત કરી શકાશે નહીં. કોઈપણ દેશના જહાજને પસાર થવામાં મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવી પડશે. ઈરાન ઈચ્છે છે કે ત્યાં એક ટોલ સિસ્ટમ હોય, જેથી જહાજોની સુરક્ષિત અવરજવર માટે ફી લઈ શકાય.

જપ્ત કરાયેલા નાણાં અને પ્રતિબંધો

ઈરાનના જપ્ત કરાયેલા નાણાં પરત કરવામાં આવશે અને આર્થિક પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવશે. અમેરિકા પાસે ઈરાનના અંદાજે 150 અબજ ડોલર જપ્ત છે. ઈરાન ઈચ્છે છે કે તેને તાત્કાલિક થોડા પૈસા મળે જેથી તે રાહત અને બચાવ કામગીરી કરી શકે, અને અમેરિકા આ માટે રાજી છે.

અમેરિકાએ સમજૂતી પર શું કહ્યું?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ઈરાન ડીલ માટે તૈયાર છે, પરંતુ તેમની શરતો સતત બદલાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, "મારે ત્યાંની એવી સરકાર સાથે પનારો પડ્યો છે જે સવારે કંઈક કહે છે અને સાંજે કંઈક બીજું". આથી જ કોઈ અંતિમ પરિણામ પર પહોંચી શકાતું નથી. ટ્રમ્પના મતે જો સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાન પર હુમલો કરશે. બીજી તરફ ઈરાને હજુ સુધી આ પ્રસ્તાવ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.


આ પણઇ વાંચો: US Arms Deal:અમેરિકાએ ઈરાન યુદ્ધમાં જેટલા ડૉલર ફૂંક્યા, તેટલા જ હવે ખાડી દેશો પાસેથી હથિયારો વેચીને વસૂલશે!