ઈરાન યુદ્ધમાં થયેલા તોતિંગ ખર્ચ પછી અમેરિકાએ ખાડી દેશોને 25.8 અબજ ડોલર (આશરે 2.43 લાખ કરોડ રૂપિયા) ના હથિયારો વેચવાની મંજૂરી આપી દીધી છે. યુએઈ, કતાર, કુવૈત અને બહેરીનને 'પેટ્રિયોટ મિસાઈલ સિસ્ટમ' આપવામાં આવશે. અમેરિકાએ એપ્રિલ સુધી ઈરાન યુદ્ધમાં 25 અબજ ડોલર ખર્ચ્યા છે અને હવે તે ખાડી દેશોને લગભગ તેટલી જ રકમના હથિયારો વેચી રહ્યું છે.
યુદ્ધમાં અબજો ડોલરના શસ્ત્રોનો ઉપયોગ
અમેરિકાએ ઈરાન યુદ્ધ દરમિયાન અબજો ડોલરના શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. અહેવાલ મુજબ, અમેરિકાની THAAD સિસ્ટમનો મોટો હિસ્સો વપરાઈ ગયો છે, પેટ્રિયોટ ઈન્ટરસેપ્ટર્સ ઝડપથી ખતમ થઈ રહ્યા છે અને ટોમહોક મિસાઈલો પણ છોડવામાં આવી છે. હવે ટ્રમ્પ પ્રશાસન આ ભારે ખર્ચની ભરપાઈ ખાડી દેશોને હથિયાર વેચીને કરવા માંગે છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ 1 મે 2026 ના રોજ બહેરીન, ઈઝરાયેલ, કતાર, કુવૈત અને યુએઈને હથિયાર વેચવા માટે 'ઈમરજન્સી મંજૂરી' આપી હતી.
આ ડીલની કુલ કિંમત 25.8 અબજ ડોલર એટલે કે અંદાજે 2.43 લાખ કરોડ રૂપિયા છે. ગયા અઠવાડિયે આ વેચાણની કિંમત 8.6 અબજ ડોલર જણાવવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને વધારી દેવામાં આવી. અગાઉ આ ડીલમાં બહેરીનનું નામ નહોતું. અમેરિકાએ તેને નવી ડીલને બદલે જૂની મંજૂરીમાં ફેરફાર ગણાવ્યો છે, જેથી અમેરિકી સંસદમાં 15 થી 30 દિવસની સમીક્ષા પ્રક્રિયાથી બચી શકાય.
સંરક્ષણ મંત્રીએ આપી ખર્ચની માહિતી
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સંસદની આર્મ્ડ સર્વિસીસ કમિટીને જણાવ્યું હતું કે અમેરિકાએ 'ઓપરેશન એપિક ફ્યુરી' દરમિયાન ઈરાન જંગમાં એપ્રિલ મહિના સુધી ૨૫ અબજ ડોલર ખર્ચ્યા છે. આમાંથી મોટાભાગના નાણાં દારૂગોળો અને સાધનોની જાળવણી પાછળ ખર્ચવામાં આવ્યા છે. જોકે, ડેમોક્રેટ નેતાઓનું કહેવું છે કે અસલી આંકડો 630 અબજ ડોલરથી 1 ટ્રિલિયન ડોલર સુધીનો હોઈ શકે છે.
કયા દેશને શું મળશે?
આ ડીલમાં સૌથી મહત્વની પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના બે વેરિઅન્ટ PAC-3 MSE અને GEM-T ઈન્ટરસેપ્ટર મિસાઈલો છે:
યુએઈ (UAE): 600 PAC-3 MSE અને 150 GEM-T મળી શકે છે.
કુવૈત: 500 PAC-3 MSE અને 500 GEM-T આપવામાં આવશે.
કતાર: 300 PAC-3 MSE અને 200 GEM-T મળશે.
બહેરીન: 50 PAC-3 MSE અને 150 GEM-T આપવામાં આવશે.
શું હથિયારોની ડિલિવરી સમયસર થશે?
હથિયારોની મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ તેને વહેલી તકે આપવી અમેરિકા માટે સરળ નથી. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન વર્ષ 2026માં માત્ર 650 PAC-3 MSE મિસાઈલો બનાવી શકશે અને તેમનો મોટાભાગનો સ્ટોક અગાઉથી જ બુક થયેલો છે. બીજી તરફ GEM-T ઈન્ટરસેપ્ટર બનાવતી કંપની RTX Corp. દર વર્ષે આશરે 300 મિસાઈલો જ તૈયાર કરે છે, જ્યારે નવી ડીલમાં માંગ તેના કરતા અનેકગણી વધારે છે.
પેન્ટાગોનના પૂર્વ અધિકારી એલેન મેકસ્કરનું કહેવું છે કે જો હથિયારો સ્ટોકમાં નથી, તો ડિલિવરીમાં 2 થી 3 વર્ષ લાગી શકે છે. રિપોર્ટ મુજબ, યુએઈએ અત્યાર સુધી 2,200 થી વધુ ઈરાની ડ્રોન અને સેંકડો બેલેસ્ટિક મિસાઈલોને રોકી છે. સતત હુમલાઓને કારણે ખાડી દેશોની એર ડિફેન્સ સિસ્ટમ નબળી પડી રહી છે, તેથી અમેરિકા માટે હથિયારો વેચવાની આ એક મોટી તક બની ગઈ છે.
આ પણ વાંચો:Hormuz Strait:પાડોશીઓની લડાઈમાં ખરાબ રીતે ફસાયું પાકિસ્તાન,અમેરિકાએ જપ્ત કરેલા ઈરાની જહાજમાં 11 લોકો કેદ