વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની Nvidia ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેન્સન હુઆંગના અંગત જીવન અને ચીની જાસૂસો સાથેના કથિત સંબંધોને લઈને ગંભીર વિવાદ ઊભો થયો છે. આ મામલે યુએસ રાજકારણ અને સમગ્ર ગ્લોબલ ટેકનોલોજી ક્ષેત્રે ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ વધતા વિવાદ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હુઆંગના સમર્થનમાં સામે આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે કરી ખાસ વાતચીત
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે, FBI બીજા એક કેસના સંદર્ભમાં આ બાબતની તપાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે હુઆંગને આ FBI તપાસ અંગે બિનજરૂરી ચિંતા કરવાની કે પરેશાન થવાની જરૂર નથી. ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે તેમણે પોતે હુઆંગ સાથે ફોન પર વાત કરી તેમની કુશળતા પૂછી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જેન્સન હુઆંગને એ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે તેઓ જે વ્યક્તિ સાથે સંપર્કમાં હતા તે વિદેશી જાસૂસ હતી.
AI ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા
Nvidia ની અદ્યતન માઇક્રોચિપ્સ વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસ અને સંશોધન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ખાનગી મામલાના ખુલાસા બાદ અમેરિકી સંરક્ષણ અને ટેક વર્તુળોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. એવી ભીતિ સેવાઈ રહી છે કે આ કથિત જાસૂસી કામગીરી દ્વારા ચીને Nvidia ની આધુનિક AI ચિપ ટેકનોલોજી અને સંવેદનશીલ માહિતી સુધી પહોંચ મેળવી લીધી હોઈ શકે છે, જે યુએસ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે.
Nvidia ની સ્વતંત્ર તપાસ અને હુઆંગનો ખુલ્લો પત્ર
આ ગંભીર આક્ષેપો બાદ Nvidia કંપનીએ રવિવારે જાહેરાત કરી હતી કે હુઆંગને વિદેશી ગુપ્તચર તંત્રો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલોની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, જેન્સન હુઆંગે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે પોતાના ગાઢ સંબંધો હોવાની વાત સ્વીકારી છે. તેમણે Nvidia ની સત્તાવાર વેબસાઇટ પર એક ખુલ્લો પત્ર જારી કરીને પોતાની પત્ની તેમજ આખી કંપનીની જાહેર માફી માંગી હતી. જોકે, તેમણે તે મહિલાની ઓળખ જાહેર કરી નહોતી. પોતાના પત્રમાં હુઆંગે લખ્યું હતું કે, "હું આ તપાસને સંપૂર્ણ સમર્થન આપું છું અને તપાસ એજન્સીઓને પૂરો સહયોગ આપીશ. હું મારા દેશ અને મારી કંપનીને ખૂબ પ્રેમ કરું છું. Nvidia ની સુરક્ષા જાળવવા અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપવા માટે હું સંપૂર્ણપણે કટિબદ્ધ છું."
આ પણ વાંચોઃ Delhiની હવા વધુ ઝેરી બની, ઘણા વિસ્તારોમાં AQI 440 ને પાર, ડોક્ટરોએ માસ્ક પહેરવાની આપી સલાહ