વિશ્વની અગ્રણી ટેકનોલોજી અને ચિપ નિર્માતા કંપની Nvidia હાલમાં એક અત્યંત ગંભીર નેતૃત્વ અને નૈતિક સંકટનો સામનો કરી રહી છે. અહેવાલો મુજબ, કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેના સહ-સ્થાપક અને CEO જેન્સન હુઆંગને તેમના પદ પરથી હટાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ચોંકાવનારા પગલા પાછળનું મુખ્ય કારણ હુઆંગના કથિત લગ્નેત્તર સંબંધોનો ખુલાસો છે, જેના કારણે વૈશ્વિક ટેક જગત અને શેરબજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જેન્સન હુઆંગ પર બે લગ્નેતર સંબંધો રાખવાનો આરોપ
મીડિયા રિપોર્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જેન્સન હુઆંગ પર બે અલગ-અલગ લગ્નેત્તર સંબંધો રાખવાનો ગંભીર આરોપ છે. આ બાબત વધુ સંવેદનશીલ એટલા માટે બની છે કારણ કે આમાંથી એક સંબંધ કથિત રીતે કોઈ ચીની જાસૂસ સાથે હોવાનું કહેવાય છે. આ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને કંપનીનું બોર્ડ ટૂંક સમયમાં જ એક મહત્વપૂર્ણ બેઠક યોજીને હુઆંગના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.
અન્ય એક સંબંધનો થયો પર્દાફાશ
આ ઉપરાંત, અન્ય એક અહેવાલમાં અન્ય એક સંબંધનો પણ પર્દાફાશ થયો છે. કંપનીના પાંચ કર્મચારીઓના જણાવ્યા અનુસાર, હુઆંગનું કંપનીની જ એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવ અને આરોગ્ય સંભાળ વિભાગના ઉપપ્રમુખ કિમ્બર્લી પોવેલ સાથે અફેર હતું, જેઓ સીધા તેમના હાથ નીચે કામ કરતા હતા. બુધવારે જ્યારે પત્રકારો દ્વારા હુઆંગને ફોન પર પોવેલ સાથેના સંબંધો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટતા કરવાને બદલે "મને નથી લાગતું કે તમારે મારી સાથે સીધી વાત કરવી જોઈએ" તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.
Nvidia ના શેરબજારના પ્રદર્શન પર અસર જોવા મળી
આ વિવાદની સીધી અને અત્યંત નકારાત્મક અસર Nvidia ના શેરબજારના પ્રદર્શન પર જોવા મળી છે. આફ્ટર-અવર્સ ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં અંદાજે 8% નો મોટો કડાકો બોલી ગયો હતો. બોર્ડ દ્વારા આ મામલે તપાસની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં Nvidia ના કુલ બજાર મૂલ્યમાં આશરે $600 બિલિયનનું જંગી ધોવાણ થયું છે.
AI ચિપ્સની વિશ્વની સૌથી મોટી સપ્લાયર કંપની બનાવી
જેન્સન હુઆંગે ત્રણ દાયકા પહેલા Nvidia ની સહ-સ્થાપના કરી હતી અને પોતાની કુનેહથી તેને AI ચિપ્સની વિશ્વની સૌથી મોટી સપ્લાયર કંપની બનાવી દીધી. આજે આશરે $4 ટ્રિલિયનનું મૂલ્ય ધરાવતી આ કંપની વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ અને અમેરિકા-ચીન વચ્ચેની તકનીકી હરીફાઈના કેન્દ્રમાં છે. D.A. ડેવિડસનના ટેકનોલોજી સંશોધન વડા ગિલ લુરિયાના મતે, કંપની પાસે હાલમાં કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકાર યોજના ન હોવાથી હુઆંગને તાત્કાલિક હટાવવા મુશ્કેલ બની શકે છે. પરંતુ, જો તપાસમાં કાયદા કે કંપનીની નીતિઓના ઉલ્લંઘનના નક્કર પુરાવા સામે આવશે, તો બોર્ડ કડક કાર્યવાહી કરતાં અચકાશે નહીં.
આ પણ વાંચોઃ Nepal Earthquake: વહેલી સવારે 4.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકોમાં ગભરાટ