ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની સંસદ 'નેસેટ'માં એક ઐતિહાસિક ભાષણ આપીને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપી છે. પીએમ મોદીના આ સંબોધનની સૌથી મોટી હાઇલાઇટ તેમના ભાષણના અંતે બોલાયેલું હિબ્રુ સૂત્ર "એમ યિસરાઇલ ચાઈ" (Am Yisrael Chai) હતું. આ શબ્દો ઉચ્ચારતાની સાથે જ સમગ્ર સંસદ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી.
શું છે આ સૂત્રનો અર્થ?
હિબ્રુ ભાષામાં "એમ યિસરાઇલ ચાઈ" નો શાબ્દિક અર્થ થાય છે. "ઇઝરાયલના લોકો જીવંત છે." આ માત્ર ત્રણ શબ્દો નથી, પરંતુ તે યહૂદી ઇતિહાસની મક્કમતા, સહનશક્તિ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. સદીઓ સુધી અન્યાય, અત્યાચાર અને અનેક સંકટો વેઠ્યા હોવા છતાં, યહૂદી પ્રજા હજુ પણ અડીખમ ઊભી છે, તેવો ભાવ આ સૂત્રમાં સમાયેલો છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ
આ સૂત્રનું મૂળ ઘણું જૂનું છે, પરંતુ તેનું આધુનિક સ્વરૂપ 1960 ના દાયકામાં સોવિયેત યહૂદી ચળવળ દરમિયાન લોકપ્રિય થયું હતું. સંગીતકાર શ્લોમો કાર્લેબેકે આ શબ્દોને સંગીતબદ્ધ કર્યા બાદ તે વિશ્વભરના યહૂદીઓ માટે એકતાનું ગીત બની ગયું. ખાસ કરીને 7 ઓક્ટોબર, 2023 ના હમાસના હુમલા બાદ, ઇઝરાયલમાં આ સૂત્ર શક્તિ અને પુનઃપ્રાપ્તિના પ્રતીક તરીકે ઘરે-ઘરે ગુંજી રહ્યું છે.
ભારતની સ્પષ્ટ મક્કમતા
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિને દોહરાવી હતી. તેમણે 7 ઓક્ટોબરના હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે, "કોઈ પણ હેતુ કે કારણ નિર્દોષ નાગરિકોની હત્યાને યોગ્ય ઠેરવી શકે નહીં." તેમણે ઇઝરાયલને ખાતરી આપી કે સંકટના આ સમયમાં ભારત તેમની સાથે મજબૂત રીતે ઊભું છે.
બે સંસ્કૃતિઓનો સંગમ
પીએમ મોદીએ તેમના ભાષણના અંતે પહેલા હિબ્રુમાં એમ યિસરાઇલ ચાઈ કહ્યું અને ત્યારબાદ ભારતીય ગૌરવના પ્રતીક સમાન 'જય હિંદ'નો નારો લગાવ્યો. આ રીતે તેમણે બે મહાન અને પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચેના અતૂટ બંધનને વૈશ્વિક મંચ પર રજૂ કર્યું. આ સંબોધન માત્ર મુત્સદ્દીગીરી નહોતું, પરંતુ એક મિત્ર દ્વારા બીજા મિત્રને અપાયેલો ભરોસો હતો.
આ પણ વાંચોઃ Epstein Filesને લઇને મોટો ખુલાસો!, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધના પુરાવાઓ અંગે તપાસ તેજ