પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ વધુ ઘેરો બન્યો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે અફઘાનિસ્તાનની અંદર લગભગ ૧૦ જેટલાં અલગ-અલગ સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણ કે આ સ્થળોનો ઉપયોગ પાકિસ્તાન પર ડ્રોન હુમલા કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશો વચ્ચે સરહદ પારથી ઘૂસણખોરી અને ગોળીબારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે પ્રાદેશિક શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.
અફઘાન તાલિબાન દ્વારા 8 ડ્રોન મોકલવામાં આવ્યા
પાકિસ્તાનના મંત્રીના જણાવ્યા અનુસાર એક દિવસ અગાઉ અફઘાન તાલિબાન દ્વારા 8 ડ્રોન મોકલવામાં આવ્યા હતા, જેને પાકિસ્તાની સેનાએ કોહાટ અને તોરખામ સરહદ પર તોડી પાડ્યા હતા. જોકે, અફઘાન તાલિબાન સરકારે પાકિસ્તાનના આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સ્પષ્ટ કર્યું છે કે અફઘાન દળોએ પાકિસ્તાન પર કોઈ હુમલો કર્યો નથી.
