મધ્ય-પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા મુદ્દે પાકિસ્તાનને મોટો આંચકો લાગ્યો છે. એક બાજુ ઈરાને પાકિસ્તાની જહાજોને પસાર થવા માટે 20 સ્પેશિયલ 'પાસ' આપીને સુરક્ષિત રસ્તો આપવાનું વચન આપ્યું હતું, બીજી બાજુ અમેરિકાએ રસ્તામાં જ અડિંગો જમાવી પાકિસ્તાની જહાજોને પાછા ફરવા મજબૂર કર્યા છે.

અમેરિકાની નાકાબંધી અને પાકિસ્તાની જહાજો

મળતી માહિતી મુજબ, મંગળવારે જ્યારે પાકિસ્તાની ધ્વજ ધરાવતા બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં તૈનાત યુએસ દળોએ તેમને અટકાવ્યા હતા. અમેરિકાએ ઓમાનના અખાત અને અરબી સમુદ્રમાં અંદાજે 10,000 સૈનિકો સાથે કડક નાકાબંધી કરી છે. અમેરિકી સૈન્યના કડક આદેશ અને સંભવિત જોખમથી ડરીને પાકિસ્તાની જહાજોએ અધવચ્ચેથી જ પાછા વળી જવું પડ્યું હતું.

ચીન સામે કોઈ રોકટોક નહીં?

આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જે સમયે પાકિસ્તાની જહાજોને અટકાવવામાં આવ્યા, તે જ સમયે ચીન સહિત અન્ય દેશોના ૨૦ જેટલા જહાજો કોઈપણ અવરોધ વિના તે જ માર્ગે પસાર થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકાએ કુલ છ જહાજોને અટકાવ્યા હતા, જેમાંથી બે પાકિસ્તાની હતા. આ બાબત પાકિસ્તાન માટે વૈશ્વિક સ્તરે શરમજનક સાબિત થઈ રહી છે.

શાંતિ કરાર પર જોખમના વાદળો

આ આંચકો એવા સમયે લાગ્યો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવા માટે ઈસ્લામાબાદમાં મહત્વની શાંતિ વાટાઘાટો યોજાવાની છે. પાકિસ્તાન આ વિવાદમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ અમેરિકાના આ વલણથી પાકિસ્તાનની રાજદ્વારી સ્થિતિ નબળી પડી હોય તેમ જણાય છે.

સરકારની મૂંઝવણ

પાકિસ્તાની શિપિંગ મંત્રી જુનૈદ અનવર ચૌધરીએ સ્વીકાર્યું છે કે દેશ હાલમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને ઉકેલ માટે વાટાઘાટો ચાલુ છે. બીજી તરફ, પાકિસ્તાની શિપિંગ વિભાગના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ઈરાને રસ્તો ખોલ્યો હોવા છતાં અમેરિકાની રોકટોકને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે. હાલમાં પાકિસ્તાની સરકારે આ મામલે કોઈ સત્તાવાર આક્રમક પ્રતિક્રિયા આપી નથી, જે તેમની મજબૂરી દર્શાવે છે.

આ પણ વાંચોઃ Andaman Boat Sink:આંદામાનના સમુદ્રમાં નાવ પલટી, 250 લોકો ગુમ, શોધખોળ શરૂ કરાઇ