મધ્ય પૂર્વમાં વકરી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે વધી રહેલા કાચા તેલના ભાવને કારણે આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાન માટે એક વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સરકારના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે એક કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે જો દેશમાં તેલ અને ગેસની અછત સર્જાશે તો આગામી સમયમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ₹1000 સુધી પહોંચી શકે છે.

ઇંધણના ભાવ 50% જેટલા વધ્યા

લાહોરમાં પત્રકારો સાથે વાતચીત કરતા પેટ્રોલિયમ મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં વર્તમાન સમયમાં પણ ઇંધણના ભાવ 50% જેટલા વધી ગયા છે. માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિકસિત દેશોમાં પણ તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની સ્થિતિ અને મધ્ય પૂર્વમાં ઈરાન-યુએસ વચ્ચેના સંઘર્ષ તથા સાઉદી અરેબિયાના તેલ માળખા પર હુથી બળવાખોરોના વધી રહેલા હુમલાઓએ ઉર્જા પુરવઠા સામે મોટું જોખમ ઊભું કર્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને 

જમીની વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનમાં પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલની સ્થિતિએ પાકિસ્તાનમાં પેટ્રોલ ₹૩૮૯.૧૪ પ્રતિ લિટર અને હાઇ-સ્પીડ ડીઝલ ₹૪૨૪.૦૪ પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ અતિશય મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સરકારને નાગરિકોને રાહત આપવા માટે ફરજિયાતપણે સબસિડી આપવી પડી રહી છે.

પરિસ્થિતિને પહોંચી વળવા વિશેષ રાહત યોજના શરૂ

વધતી કિંમતોના આ ભારે દબાણને પહોંચી વળવા માટે વડા પ્રધાન શાહબાઝ શરીફની સરકારે તાજેતરમાં જ એક વિશેષ રાહત યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મોટરસાયકલ, ઓટો-રિક્ષા અને ચિંગચી રિક્ષાચાલકો તેમજ 800 સીસી સુધીના નાના વાહનોના માલિકોને પેટ્રોલ પર પ્રતિ લિટર ₹100 નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં, જો વૈશ્વિક મોરચે પરિસ્થિતિ વધુ વણસશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે કોલેપ્સ થઈ શકે છે અને સામાન્ય નાગરિકો માટે બે વખતની રોટલી મેળવવી પણ મુશ્કેલ બની જશે. 

આ પણ વાંચોઃ Sudan માં મોટી દુર્ઘટના, સોનાની ખાણ ધસતા 11 શ્રમિકોના મોત, અનેક ગુમ