પૂર્વાફ્રિકન દેશ સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. ઉત્તરપૂર્વીય લાલ સમુદ્ર રાજ્યના ઓનીના દૂરના વિસ્તારમાં આવેલી એક અનૌપચારિક સોનાની ખાણની ટનલ અચાનક ધસી પડતા 11 ખાણિયાઓનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે. રાજ્યની માલિકીની સુદાન મિનરલ રિસોર્સિસ કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે દબાયેલા કે ગુમ થયેલા અન્ય શ્રમિકોની શોધખોળ માટે હાલ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

શનિવાર રાત્રે ઘટી આ મોટી દુર્ઘટના

આ ભયાનક દુર્ઘટના શનિવારે રાત્રે શરૂ થઈ હતી. સ્થાનિક અધિકારીઓ અને આ ક્ષેત્રમાં સક્રિય કામદારોના જણાવ્યા મુજબ, ખાણ અસુરક્ષિત રીતે ચાલતી હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધીમાં ૧૧ શ્રમિકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 30 ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સુદાન મિનરલ રિસોર્સિસ કંપનીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

એક જ અઠવાડિયામાં બીજી મોટી દુર્ઘટના

ખાસ નોંધનીય બાબત એ છે કે સુદાનમાં એક અઠવાડિયાની અંદર સોનાની ખાણ ધસી પડવાની આ બીજી મોટી ઘટના છે. આ અગાઉ ગયા રવિવારે દેશના પશ્ચિમ ભાગમાં આવેલી અન્ય એક સોનાની ખાણની અનેક ટનલો અચાનક તૂટી પડતાં ઓછામાં ઓછી ૮૨ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. જે વિસ્તારમાં આ અગાઉની દુર્ઘટના ઘટી હતી, તે પ્રદેશ અર્ધલશ્કરી દળ 'રેપિડ સપોર્ટ ફોર્સિસ' (RSF) ના નિયંત્રણ હેઠળ આવે છે. સુદાનમાં આવી હજારો નાની અને અનૌપચારિક ખાણો ધમધમે છે, જ્યાં સલામતીના નિયમો કે ધોરણોનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે આ પ્રકારના જીવલેણ અકસ્માતો અહીં અવારનવાર બનતા રહે છે.

ગૃહયુદ્ધ અને માનવીય સંકટ

સુદાન લાંબા સમયથી સત્તા માટે લડાઈ રહેલા ગૃહયુદ્ધના સંકટમાં ફસાયેલું છે. એપ્રિલ 2023 થી સુદાનની સેના અને અર્ધલશ્કરી દળ RSF વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષે દેશને તબાહીના આરે લાપી દીધો છે. મોનિટરિંગ ગ્રુપ 'આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા'ના આંકડા મુજબ, આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં આશરે 59,000 થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે માનવાધિકાર સંસ્થાઓ આ આંકડો ઘણો વધારે હોવાની આશંકા વ્યક્ત કરે છે.

જીવના જોખમે કરી રહ્યા છે કામ

વધુમાં, યુએન (સંયુક્ત રાષ્ટ્ર) દ્વારા નિયુક્ત નિષ્ણાતોના અહેવાલ મુજબ, આરએસએફ (RSF) જૂથ દારફુર અને કોર્ડોફાન પ્રદેશોના સોના ઉત્પાદક વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે અને આ યુદ્ધને ચાલુ રાખવા માટે દેશમાંથી મોટા પ્રમાણમાં સોનાની ગેરકાયદેસર દાણચોરી કરવામાં આવી રહી છે. એક તરફ ભીષણ ગૃહયુદ્ધ અને બીજી તરફ બેરોજગારી તેમજ આજીવિકાના સંકટ વચ્ચે ગરીબ શ્રમિકો જીવના જોખમે આ જોખમી ખાણોમાં કામ કરવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ Pakistan Terror Attack: ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલો, 8 સૈનિકોના મોત