પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઇસ્લામાબાદ ખાતે આયોજિત 'યાદગાર-એ-ફતેહ' વિજય સ્મારક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હિન્દુ લઘુમતીઓને લઈને અત્યંત બિન-જવાબદાર અને વિવાદિત નિવેદન આપ્યું હતું. ઝરદારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "અમે મુસ્લિમ છીએ, તેઓ (હિન્દુઓ) નથી. પરંતુ અમારી વિચારસરણી એવી છે કે અમે ૩ થી ૪ ટકા હિન્દુ વસ્તીને સહન કરીએ છીએ."
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીનું વિવાદિત નિવેદન
ઝરદારીએ એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં હિન્દુઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તેઓ પોતાની મરજીથી પાકિસ્તાનમાં રહી રહ્યા છે. આ સાથે જ તેમણે ભારતના "અખંડ ભારત" ના વિચારનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ભારતનો દ્રષ્ટિકોણ અને એજન્ડા અલગ છે.ઝરદારીના આ નિવેદને પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોર્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે રાષ્ટ્રપતિ ઝરદારીએ હિન્દુ વસ્તી 3 થી 4 ટકા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પાકિસ્તાનની 2023 ની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ દેશમાં હિન્દુઓની વસ્તી માત્ર 5.2 મિલિયન છે, જે કુલ વસ્તીના માત્ર 2.17 ટકા જ થાય છે.
