તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નકશા અંગે રજૂ કરાયેલા એક પ્રસ્તાવ પર ભારતના સ્પષ્ટ વલણ બાદ પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. ભારતે પોતાના સાર્વભૌમ પ્રદેશોને યોગ્ય રીતે દર્શાવવાની વાત કરી હતી, જેના જવાબમાં પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર અંગે ફરી એકવાર વિવાદિત નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની એકપક્ષીય કાર્યવાહી અને કાશ્મીર અંગેના દાવાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય વિવાદિત સ્થિતિ બદલાઈ જતી નથી.
પાકિસ્તાન દ્વારા ભારતના દાવાઓનું ખંડન અને વિવાદિત નિવેદન
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સંયુક્ત રાષ્ટ્રમાં સમાન અંતરના વિશ્વ નકશા અંગેના ઠરાવ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ સહિતના સમગ્ર ભારતીય પ્રદેશોને હંમેશા ભારતના અધિકૃત નકશા મુજબ જ દર્શાવવા જોઈએ. ભારતે મક્કમતાથી સ્પષ્ટ કર્યું છે કે દેશની સરહદો અટલ છે અને પ્રદેશોનું કોઈપણ પ્રકારનું ખોટું કે ભ્રામક ચિત્રણ ભારત માટે ક્યારેય સ્વીકાર્ય નથી. ભારત સરકારે આ ઠરાવની તરફેણમાં મતદાન કરતા જણાવ્યું હતું કે આનો હેતુ ખંડો અને પ્રદેશોના વાસ્તવિક કદને જાળવી રાખવાનો છે, પરંતુ તે કોઈ ચોક્કસ રાજકીય નકશા કે સીમાઓને સમર્થન આપતો નથી.
આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કાશ્મીર મુદ્દો ઉઠાવતું પાકિસ્તાન
ભારતના આ કડક વલણથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને રાજદૂત સજ્જાદ હૈદર ખાને મીડિયાના સવાલોના જવાબમાં ભારતના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. પાકિસ્તાને પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના એજન્ડા પરનો સૌથી જૂનો વણઉકેલાયેલો વિવાદ છે. પાકિસ્તાને એવું પણ રટણ કર્યું હતું કે યુએન ના સત્તાવાર નકશામાં કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે અને ભારતના એકપક્ષીય દાવાઓથી વાસ્તવિક સ્થિતિ પર કોઈ અસર પડતી નથી.
https://twitter.com/ForeignOfficePk/status/2096795585445859795
ભારતે પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ કર્યુ
આ સાથે જ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનને અટકાવે અને યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર કાશ્મીરી લોકોને સ્વ-નિર્ણયનો અધિકાર અપાવવામાં પોતાની ભૂમિકા ભજવે. આમ, વિશ્વ નકશાના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સ્તરે તણાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે, જેમાં ભારતે પોતાની પ્રાદેશિક અખંડિતતા બાબતે પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ અને મક્કમ રાખ્યું છે.
આ પણ વાંચોઃ Hanuman Ansh: OMG 31મા દિવસે હનુમાન અંશની રેકોર્ડબ્રેક કમાણીથી રચાયો ઇતિહાસ, અનેક ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ