પાકિસ્તાનનું આર્થિક પાટનગર ગણાતું કરાચી શહેર ફરી એકવાર ભયાનક આતંકી હુમલાથી હચમચી ઉઠ્યું છે. કરાચીના ગીચ વસ્તીવાળા ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં આવેલા અર્ધલશ્કરી દળ 'સિંધ રેન્જર્સ' (Sindh Rangers) ના પ્રાદેશિક મુખ્યાલય પર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના ૩ જવાનો માર્યા ગયા છે અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ૩ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે એક ઘાયલ આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ હંમેશાની જેમ પાકિસ્તાને પોતાની સુરક્ષા ખામીઓ છુપાવવા માટે ભારતની ગુપ્તચર એજન્સીઓ પર આંગળી ચીંધી છે.


વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને ઘૂસ્યા આતંકીઓ

સ્થાનિક અહેવાલો અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી કાર રેન્જર્સના કમ્પાઉન્ડની દીવાલ સાથે ભટકાવી દીધી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ બાદ આતંકીઓએ કમ્પાઉન્ડમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આશરે ૯૦ મિનિટ સુધી ચાલેલી આ અથડામણમાં સ્પેશિયલ સિક્યોરિટી યુનિટ (SSU) ના કમાન્ડોએ મોરચો સંભાળીને આતંકીઓનો સફાયો કર્યો હતો. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન તેહરીક-એ-તાલીબાન પાકિસ્તાન (TTP) ના અલગ થયેલા જૂથ 'જમાત-ઉલ-અહરાર' (Jamaat-ul-Ahrar) દ્વારા લેવામાં આવી છે.

પાકિસ્તાનના ભારત પર આરોપ

આ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યએ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે પકડાયેલો આતંકવાદી અફઘાનિસ્તાનનો નાગરિક છે. આ સાથે જ પાકિસ્તાની સેનાએ કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા રજૂ કર્યા વિના આ આતંકી સંગઠનને 'ઇન્ડિયન પ્રોક્સી' (ભારત પ્રેરિત જૂથ) ગણાવ્યું છે. પાકિસ્તાન સરકાર અને સેના લાંબા સમયથી અફઘાનિસ્તાન સરહદેથી ઓપરેટ કરતા આતંકીઓ પાછળ ભારતનો હાથ હોવાનો કપોળકલ્પિત દાવો કરી રહી છે, જેને ભારતે અગાઉ પણ સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે.

આંતરિક સુરક્ષાના ધજાગરા

નિષ્ણાતોના મતે, અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસન આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. કરાચીમાં ઓક્ટોબર ૨૦૨૪ માં ચીની એન્જિનિયરો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ આ સૌથી મોટી આતંકી ઘટના છે. પાકિસ્તાન અત્યારે આંતરિક કટોકટી અને આતંકવાદ સામે લડી રહ્યું છે, પરંતુ પોતાની આંતરિક નબળાઈઓને સુધારવાને બદલે ભારત અને અફઘાનિસ્તાન પર આક્ષેપબાજી કરીને વૈશ્વિક સ્તરે સહાનુભૂતિ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે.


આ પણ વાંચો:Venezuelaના પ્રખ્યાત ફૂટબોલરની પત્નીનું દીકરીને બચાવવા જતા મોત,મલબામાંથી મળ્યો મૃતદેહ

  • Follow us on: